Accident : રાજ્ય સહિત દેશમાં રોજે રોજ અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. આવી જ અકસ્માતની બે ઘટનાઓ સામે આવી છે, જેમાં સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર કાર પલટી મારતા બે લોકોના મોત થયા છે, તો મધ્ય પ્રદેશમાં નર્મદા નદીમાં ગુજરાતના શ્રદ્ધાળુઓની બોટ પલટી મારતા એકનું મોત અને એક હજુ લાપતા છે.
સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે કાર અકસ્માત
સૌપ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાના અકસ્માતની વાત કરીએ તો, સાયલા ચોટીલા હાઈવે પર કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે કારમાં સાત લોકો હતા, જેમાં બે લોકોના મોત થયા છે તો પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાયલા-ચોટીલા હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી તે સમયેઈકો કારનું ટાયર ફાટી જતા કાર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે પાંચલોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાઈવે પર અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. 108 અને પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી. મૃતકોને પીએમ માટે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કેવી રીતે અકસ્માત સર્જાયો?
કારનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો અને કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે કારમાં સાત લોકો સવાર હતા. જેમાં એક વૃદ્ધ દંપત્તિનું મોત થયું છે. મૃતક સાયલા તાલુકાના ધાંધલપુર ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ઈજાગ્રસ્તોમાં ત્રણ લોકો મુંબઈના રહેવાસી હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મધ્યપ્રદેશમાં ગુજરાતના શ્રદ્ધાળુઓની બોટ પલટી
તો બીજી દુર્ઘટના મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના યાત્રાધામ ઓમકારેશ્વરમાં બની હતી. અહીં ખરાબ હવામાનના કારણે ગુજરાતમાંથી દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓની બોટ પલટી ગઈ હતી. અકસ્માતમાં એકનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે એક લાપતા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મુલાકાતીઓની બોટ નદીમાં હતી અને અચાનક વરસાદ અને તોફાન શરૂ થયું.
તમને જણાવી દઈએ કે, ગુજરાતના ભાવનગરથી આવેલા ભક્તો ભગવાન ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીને સ્નાન કરવા માટે નર્મદા પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ બધા એક હોડીમાં નર્મદા નદી પાર કરીને બીજી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ભારે પવન અને તોફાનને કારણે બોટનું સંતુલન બગડી ગયું અને બોટ પલટી ગઈ. પ્રશાસને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને ચાર લોકોને સુરક્ષિત બચાવી લીધા છે, જ્યારે એક બાળકનું ડૂબી જવાથી મોત થયું છે અને તેના પિતા હજુ પણ લાપતા છે, જેમની શોધ ચાલુ છે. ગુમ થયેલો યુવક ગુજરાત પોલીસનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે.
કેવી રીતે બોટ દુર્ઘટના સર્જાઈ
પોલીસના જણાવ્યા અનુસાર, ભગવાન ઓમકારેશ્વર મહાદેવના યાત્રાધામ નગરમાં દર્શન કરવા આવેલા ભક્તોને લઈ જતી હોડી પલટી જતાં એક વ્યક્તિનું મોત થયું છે. આ તમામ શ્રદ્ધાળુઓ ગુજરાતના ભાવનગરથી ખંડવામાં આવેલા ઓમકારેશ્વરના દર્શન કરવા આવ્યા હતા. ભક્તોએ સૌપ્રથમ ભગવાન ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા, ત્યારબાદ સૌ નર્મદામાં સ્નાન કરવા ગયા હતા અને સ્નાન કર્યા બાદ નદી પાર કરવા માટે હોડી દ્વારા નર્મદાની બીજી તરફ જતા હતા. આ દરમિયાન અચાનક ખરાબ હવામાનને કારણે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે બોટનું સંતુલન બગડી જતા નદીની વચ્ચે નદીમાં ખાબકતા બોટ અસંતુલિત થઈ ગઈ હતી. બોટ પલટી જતાં અચાનક બુમો પડી હતી. નજીકમાં હાજર ખલાસીઓ અને વહીવટીતંત્રના લોકોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.
આ પણ વાંચો – અમદાવાદ-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ કલોલ નજીક ખાનગી બસે પાછળથી ટક્કર મારતા ST બસે પાંચ મુસાફરોને કચડ્યા
ભાવનગરથી ભક્તો સાથે દર્શન કરવા આવેલા તેમના ડ્રાઈવરે પોલીસને આપેલી માહિતીમાં જણાવ્યું હતુ કે, આ તમામે પહેલા ઉજ્જૈન મહાકાલના દર્શન કર્યા હતા, ત્યાર બાદ તેઓ અહીં ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા હતા. જ્યારે તેના સાથીઓ હોડીમાં બેસીને બીજી તરફ જતા હતા, ત્યારે ભારે વરસાદ અને આંધળું વાવાઝોડું આવ્યું. જેના કારણે હોડી પલટી ગઈ હતી. ભાવનગરથી આવેલો પરિવાર બ્રાહ્મણ છે અને પોલીસ ખાતામાં નોકરી કરે છે. આ પરિવારના નિકુંજ નામના બાળકનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે એક પોલીસકર્મી હજુ લાપતા છે.