અમરેલીના લેટરકાંડમાં પાટીદાર સમાજની દીકરીની ધરપકડ બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા પર ફેરવતા ગુજરાત આખામાં તેની ચર્ચા છે ત્યાં જ આ રિકન્સ્ટ્રક્શનની ઘટનાને લઈ રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આ મામલે રાજ્ય સરકાર અને પોલીસની કામગીરીને લઈ સવાલો ઉઠવ્યા છે. જે બાદ ગુજરાત સરકારના મંત્રીઓ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે આ મામલે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાના શરીર પર પટ્ટા મારી માફી માગી હતી.
પાટીદાર યુવતીને લેટરકાંડ બાદ પોલીસે અટકાયતમાં લઈ તેને પટ્ટા માર્યા હોવાનો આક્ષેપ પણ થયો છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ જાહેર સભા સંબોધી હતી અને કહ્યું હતું કે,”અમરેલીની દીકરીને પોલીસે જે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું જાહેરમાં ખાઈશ. ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. લોકોને પણ કહ્યું કે, તમે અમને મત ભલે ન આપો પણ તમારો આત્મા જગાડો”.
ગોપાલ ઈટાલિયાએ જાહેર સભામાં જ પોતાનો પટ્ટો નિકાળીને એક પછી એક પોતાના શરીર પર છ વખત પટ્ટા માર્યા હતા. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યાં જ ગોપાલ ઈટાલિયાએ પોતે પણ આ વીડિયોને સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કર્યો છે.
આ પણ વાંચો: સુરતમાં બન્યો ચોંકાવનારો કિસ્સો, મોબાઈલને લઈ ઠપકો આપતા 14 વર્ષની દીકરીએ ભર્યું ભયાનક પગલું
ગોપાલ ઈટાલિયાએ વીડિયો પોસ્ટ કરતા તેના કેપ્શનમાં લખ્યું છે કે,” ગુજરાતનો સૂતેલો આત્મા જાગવો જોઈએ. ગુજરાતમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને પટ્ટાથી માર મારવામાં આવ્યો એ ઘટનામાં હું એસપીને મળ્યો પણ ન્યાય ન અપાવી શક્યો એ બદલ હું મને પોતાને સજા કરું છું. આ સિવાય ભૂતકાળમાં અનેક ઘટનાઓ જેવી કે, લઠ્ઠાકાંડ, પેપરલીકકાંડ, મોરબીકાંડ, ગેમઝોન કાંડ, હરણીકાંડ, દાહોદ બળાત્કાર, જસદણ બળાત્કાર સહિતની ઘટનાઓમાં ગુંડાઓ સામે, બુટલેગરો સામે, જમીન માફિયા સામે, વ્યાજ માફિયા સામે, બળાત્કારીઓ સામે, ભ્રષ્ટ અધિકારીઓ સામે હું લડ્યો પણ આજદીન સુધી ન્યાય નથી અપાવી શક્યો એ બદલ હું મને પોતાને સજા કરું છું. હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છું. મને આશા છે કે, પટ્ટાના મારથી ગુજરાતનો સૂતેલો આત્મા જાગશે અને હજારો પીડિતોને જનતા ન્યાય અપાવશે.”





