Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણી, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે તેમની પાર્ટીના ઉમેદવારનું અપહરણ થવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. અગાઉ ભાજપે તેમનું નામાંકન રદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું નામાંકન સ્વીકારવામાં આવ્યું હતું. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. શું તેનું અપહરણ કરવામાં આવ્યું છે?
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પાર્ટી હતી અને આ બે વચ્ચે જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ પુરી તાકાત સાથે ગુજરાતની તમામ 182 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આપ નેતા અરવિંદ કેજરીવાલ પણ વારંવાર ગુજરાત પ્રવાસે આવી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
ગુજરાતમાં આ વખતે આપ પાર્ટી સારૂ પ્રદર્શન કરી રાજ્યમાં આપની સરકાર બનાવશે, જો આ શક્ય ન થાય તો મુખ્ય વિપક્ષ તરીકે તો ઉભરી આવશે તેવી અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના આપના નેતાઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ સુરતમાં સ્થાનિક કોર્પોરેશન ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને સુરત કોર્પોરેશનમાં વિપક્ષ તરીકે જવાબદારી નિભાવી રહી છે, ત્યારબાદ ગોપાલ ઈટાલિયા આપ નેતા તરીકે ચર્ચામાં આવ્યા હતા.
આ પણ વાંચો – ગુજરાત ચૂંટણી : મહેશ વસાવા અને છોટુ વસાવા, એક જ બેઠક પર પિતા-પુત્ર વચ્ચે લડાઈ, જવાબદાર AAP પરિબળ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કા માટે 19 જિલ્લાની 89 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે બીજા તબક્કાના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. રાજ્યમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બર 2022ના રોજ મતદાન થશે તો 5 ડિસેમ્બરે બીજા તબક્કા માટે મતદાન થશે. અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.