Bharuch Police : ગુજરાત પોલીસ (Gujarat police) ના ઈતિહાસની લગભગ પ્રથમ ઘટના કહી શકાય તેવો ચોંકાવનારો ખૂલાસો ભરૂચથી સામે આવ્યો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલોએ સ્ટેટ મોનિટરીંગ સેલ (state monitoring cell) ના અધિકારીઓ કર્મચારીઓના ફોન ટ્રેક કરી બુટલેગરોને દરોડાની માહિતી આપી ચેતવવાનું કામ કરતા હતી. આ મામલે બંને કોન્સ્ટેબલ સામે જાસૂસીનો ગુનો નોંધી, તત્કાલિન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ભરૂચ જિલ્લામાં બાતમીના આધારે રેડ પાડવામાં આવતી હતી, પરંતુ ટીમ રેડના સ્થળે જાય તે પહેલા જ બુટલેગરો ત્યાંથી ભાગવામાં સફળ થઈ જતા અને ટીમે ખાલી હાથે પાછા ફરવા પડતુ હતું. આ બાબતે શંકા જતા ભરૂચ જિલ્લા એસપીને જાણ કરી તપાસ કરતા પોલીસ બેડા માટે ચોંકાવનારી વિગત સામે આવી જેમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલ દ્વારા સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારી નિર્લિપ્ત રાય સહિત તેમની ટીમના 15 જેટલા અધિકારીઓના ફોન ટ્રેક કરી બુટલેગરોને દરોડાની બાતમી આપી દેવામાં આવતી હતી.
વિગતે ઘટનાની વાત કરીએ તો, ગુજરાતમાં સ્ટેટ મોનિટરીંગ સેલ રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર દારૂ, જુગાર, ડ્રગ્સ જેવા ધંધા પર લગામ રાખવા સ્વતંત્ર રીતે રેડ કરે છે અને ગુનેગારોને પકડવાનું કામ કરે છે, સ્ટેટમોનિટરીંગ સેલ દ્વારા ભરૂચ જિલ્લાાં પણ બાતમીના આધારે રેડ કરવામાં આવતી હતી. પરંતુ વારંવાર ટીમને નિષ્ફળતા મળી રહી હતી, જેને લઈ મોનિટરીંગ સેલના અધિકારી નિર્લિપ્ત રોયને શંકા થતા તેમણે ભરૂચ એસપી લીના પાટીલનો સંપર્ક કર્યો અને તેમને આ અંગે જાણ કરી ગુપ્ત રીતે તપાસ કરવા જણાવ્યું હતુ. આ બાબતે ભરૂચ એસપી દ્વારા તપાસ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી જેમાં ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલ અશોક સોલંકી અને મયુર ખુમાણ સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી નિર્લીપ્ત રાય સહિત અન્ય કર્મચારીઓના ફોન ટ્રેક કરતા હતા, અને આ ટીમ જે બુટલેગરને ત્યાં દરોડો પાડવા જવાની હોય તેની બાતમી બુટલેગરને આપતા હતા.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને માહિતી આપતા ભરૂચ એસપી ડો. લીના પાટીલે જણાવ્યું કે, બંને કોન્સ્ટેબલને તત્કાલિન ધોરણે આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને બંનેની અટકાયત કરી વધુ ઈન્કવાયરી કરવામાં આવી રહી છે, ત્યારબાદ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, દરેક જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ મહત્વની સુરક્ષા તપાસ એજન્સી છે. આ એજન્સીને કોઈ ગંભીર ગુનાઓ ન થાય તે માટે ગુનેગારો અને શંકાસ્પદ વ્યક્તિના ફોન ટ્રેક કરવા માટે તેમનો મોબાઈલ સર્વેલન્સ પર મુકી ગુનાઓ રોકી શકાય અથવા ગુનેગારોને પકડી શકાય તે માટે સોફ્ટવેર આપવામાં આવે છે, પરંતુ બંને કોન્સ્ટેબલો ઉપરની આવક માટે પગાર પોલીસનો લેતા અને કામ બુટલેગરો માટે કરતા હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, બંને પોલીસ કોન્સ્ટેબલોએ ગુજરાત પોલીસના ઈતિહાસમાં કોઈ દિવસ કોઈ પોલીસ કર્મીએ જે કામ ન કર્યું હોય તેવું કામ કર્યું છે, તેમણે પોલીસ અધિકારીઓના જ ફોન ટ્રેક કર્યા અને બુટલેગરોને ચેતવ્યા, જેથી બુટલેગરો, જુગારના અડ્ડા ચલાવનારા માલ સગેવગે કરે અને પોલીસ પકડથી બચી શકે.
આ પણ વાંચો – OBC અને દલિત રાજકીય પરિવારના વંશજ ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી નાના કોંગ્રેસ ધારાસભ્યદળનું નેતૃત્વ કરશે
આ મામલાની ગંભીરતાના પડઘા ગૃહમંત્રાલય સુધી પડ્યા છે. ગૃહ વિભાગે પણ ભરૂચ પોલીસને આ મામલે વિગતવાર તપાસ કરી તમામ માહિતી ભેગી કરવાનો આદેશ આપ્યો છે, આ સાથે બંને કોન્સ્ટેબલ સાથે કયા કયા ગુનેગારો, બુટલેગરો સંપર્કમાં હતા, તે મામલે પણ તપાસ કરી રિપોર્ટ આપવાનો આદેશ આપવામાં આવ્યા છે.