Bhupendrasinh Zala Arrested: ગુજરાતમાં સૌથી મોટું કૌભાંડ આચરનારા અને એક મહિનાથી ફરાર BZ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 6000 કરોડના કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમ ભુપેન્દ્રસિંહને લઈને ગાંધીનગર રવાના થઈ છે.
ઉલ્લેખનીય છે કે ધરપકડથી બચવા ભુપેન્દ્રસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ સામે આવ્યાં ત્યાર બાદથી ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેને સીઆઈડી ક્રાઈમની ટીમ એક મહિનાથી શોધી રહી હતી.
આ પણ વાંચો: 6000 કરોડના કૌભાંડનો ‘માસ્ટર માઈન્ડ’ ભૂપેન્દ્ર ઝાલાની કરમ કુંડળી
શું હતી કૌભાંડની મોડસ ઓપરેન્ડી
હિંમતનગર રાયગઢમાં ઝાલાનગર ભુપેન્દ્રસિંહ પરબતસિંહ બી.ઝેડ ટ્રેડર્સ, બી.ઝેડ સર્વીસ, બી.ઝેડ. ગ્રૂપ જેવી ત્રણ જેટલી સીઈઓ તરીકે કાર્યરત તલોદ, હિંમતનગર, જિલ્લામાં વિજાપુર, જિલ્લામાં મોડાસા ખાતે, ગાંધીનગરમાં ઓફિસો બીજા એજન્ટો રાખી જુદા જુદા શહેરોમાં હતી. આ ઓફિસ ઉંચા વળતરની લાલચ આપી કરોડો ઉઘરાવ્યા હતા. રાષ્ટ્રીયકૃત બેંક અને અન્ય નાણાંકીય સંસ્થા કરતા રોકાણકારોને ફિક્સ એફડી પર 7 ટકા અને મૌખિક 18 ટકા ઉંચા વ્યાજની લાલચ અને તેની સાથે 5 લાખના રોકાણ પર 32 ઈંચનું એલઈડી ટીવી, 10 લાખના રોકાણ પર ગોવાની ફ્રી ટૂર આરોપીઓ આપતા હતા. આ રીતે રોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપી શરૂઆતમાં રોકાણ સામે કહ્યા મુજબ ઉંચું વ્યાજ ચુકવી વિશ્વાસ સંપાદન કરી આરોપીઓએ 6 હજાર કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી ઉઘરાવી લીધા હતા.
ભૂપેન્દ્રસિંહ ઝાલાની સંપત્તિ
આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે કૂલ 9 બેંક એકાઉન્ટ છે અને તેના પિતાની પાસે 3 બેંક એકાઉન્ટ છે. પોતાની પાસે માત્ર 47 ગ્રામ સોનુ, પિતા પાસે 40 ગ્રામ સોનુ, માતાની પાસે 25 ગ્રામ સોનુ હોવાનું તેણે પોતે એક સોગંધનામામાં જણાવ્યું હતું. ત્યાંજ આરોપી ભૂપેન્દ્રએ વર્ષ 2021 થી 2023 સુધીમાં 10 એકડ જેટલી જમીન પણ ખરીદી હતી. જોકે 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર આરોપી ભૂપેન્દ્રએ ઈન્કમટેક્સ રિટર્નમાં વર્ષ 2022-23માં માત્ર 17,94,820 રૂપિયા જ આવક દર્શાવી હતી. જોકે તેના વતન રાયગઢના ઝાલાનગર સ્થિત તેનો વૈભવી બંગલો છે અને તેની પાસે લક્ઝુરીયસ કારનો કાફલો હોવાનું પણ કહેવાય છે.





