ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છ. આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે ભાજપે આજે 160 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદી જાહેર થયાની ગણતરીની મિનીટોમાં જ ટિકિટ ન મળતા કેટલીક બેટકો પર કાર્યકર્તાઓનો રોષ ફાટી નીકળ્યો છે. મહુવામાં રાઘવભાઈ મકવાણાને ટિકિટ ન મળતા કાર્યકર્તાઓ રોષે ભરાયા અને રાજીનામા આપી દીધા. તો આ બાજુ ભાવનગરમાં ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ ન મળતા ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે.
શિવાભાઈની જગ્યાએ આર.સી મકવાણાને ટિકિટ મળતા રોષ
સૌ પ્રથમ મહુવાની વાત કરીએ તો, ભાજપે ઉમેદવારોની યાદી જાહેરા કર્યા બાદ મહુવામાં સૌથી વધારે ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. ભાજપે શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતા મહુવા ભાજપા સંગઠનમાં રોષ ફાટી નીકળ્યો છે. મહુવા શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ પોતાના પદ પરથી સામુહિક રાજીનામાની ચીમકી આપી છે.
મહુવા શહેર અને તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારો આપશે રાજીનામા
ભાજપ દ્વારા મહુવામાં આર.સી. મકવાણા (રાઘવભાઈ મકવાણા)ને ટિકિટ ફાળવતા આ રોષ જોવા મળી રહ્યો છે. રાઘવજી ગત ટર્મના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચુક્યા છે. ત્યારે મહુવા શહેર અને તાલુકા ભાજપા સંગઠનની માંગ હતી કે, તળાજાના ઉમેદવાર શિવાભાઈ ગોહિલને ટિકિટ ફાળવવામાં આવે. હાલમાં મહુવા શહેર સંગઠનમાં ભાજપ તરફથી ચૂંટાયેલા તમામ નગરપાલિકા સભ્યો અને તાલુકા પંચતાયત અને જિલ્લા પંચાયતના તમામ મોરચાના સભ્યો સહિત 1000 જેટલા કાર્યકર્તાએ સામૂહિક રાજીનામાનો નિર્ણય લીધો છે. તમામ ટીમ ભેગી થઈ જિલ્લા પ્રમુખને રાજીનામું આપવા શિહોર જવા રવાના.
આ પણ વાંચો – ભાજપ ઉમેદવાર પ્રથમ યાદી: 38 વરિષ્ઠ નેતાઓની ટિકિટ કપાઈ, 69 ધારાસભ્યોને રિપીટ કરાયા
ભાવનગરમાં ક્ષત્રિય સમાજમાં રોષ
તો બીજી બાજુ ભાજપ પક્ષ દ્વારા ભાવનગર જિલ્લા એકપણ ક્ષત્રિય સમાજને ટિકિટ ના ફાળવવામાં આવતા ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે. સમસ્ત ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, ભાજપ પક્ષ દ્વારા એકપણ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ ના ફાળવવામાં આવતા સમસ્ત ક્ષત્રિય સમાજ ભાજપ પક્ષ વિરુદ્ધ મતદાન કરશે. ભાવનગર જિલ્લામાં 2.5 લાખ થી 2.75 લાખ ક્ષત્રિય સમાજના મતદારો છે. આગામી દિવસોમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને કોંગ્રેસ પક્ષના ક્ષત્રિય સમાજના ઉમેદવારને જીતાડવા મદદ કરવામાં આવશે.