Banaskantha: અનામત નીતિને દેશમાં “માથાનો દુખાવો” ગણાવતા ગુજરાત ભાજપના નેતાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બનાસકાંઠા જિલ્લાની ભાભર નગરપાલિકા દ્વારા રવિવારે આયોજિત પ્રજાસત્તાક દિને ધ્વજવંદન સમારોહમાં ભાષણ આપતી વખતે ભાજપના પ્રદેશ સચિવ નૌકાબેન પ્રજાપતિએ આ કથિત નિવેદન આપ્યું હતું.
વીડિયોમાં નૌકાબેન પ્રજાપતિ, જેઓ ભાભરના રહેવાસી પણ છે, વીડિયોમાં કથિત રીતે કહેતા સાંભળી શકાય છે, “રાજકારણ, તુષ્ટિકરણ અને વોટબેંકની નીતિના આધારે અમે અનામત નાબૂદ કરી શક્યા નથી. અને અમે જાણીએ છીએ કે હાલમાં અનામત માથાનો દુખાવો બની રહી છે.
પ્રજાપતિને એમ કહેતા પણ સાંભળવા મળે છે કે, “આજે ઈઝરાયેલ જેવો નાનકડો દેશ મુસ્લિમ દેશો સામે જોરદાર લડાઈ લડી રહ્યો છે. કારણ કે તે દેશના નાગરિકોમાં દેશભક્તિ ભરેલી છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જ આસારામે કરી નાંખ્યો કાંડ, વધી શકે છે મુશ્કેલીઓ
ભાભર નગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીએ ભાભરના આઝાદ ચોક વિસ્તારમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રજાપતિને સ્થાનિક નેતા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ધ્વજવંદન પાલિકાના પ્રમુખ સાકરબા રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રજાપતિનો વારંવાર પ્રયાસ કરવા છતાં સંપર્ક થઈ શક્યો ન હતો. હજુ સુધી ગુજરાત ભાજપે આ મુદ્દે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.