Gujarat Municipal-Panchayat elections: ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં પ્રચાર ચાલી રહ્યો છે. ટિકિટ ન મળતાં કેટલીય પાલિકા-પંચાયતમાં ભાજપના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેના પગલે ભાજપ એક્શન મોડમાં આવ્યુ છે. કમલમથી આદેશ છૂટતાં જ પક્ષવિરોધીઓને હાંકી કાઢવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર ખેડા જિલ્લાના 33 હોદેદારોને ભાજપે સસ્પેન્ડ કર્યા. આ તમામ સભ્યોએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં મહુધા શહેરના 5, ખેડા શહેરના 3, કપડવંજ તાલુકાના 2, કઠલાલ તાલુકાના 5, ચકલાસી શહેરના 13 અને મહેમદાવાદ શહેરના 5 સભ્યોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ‘પ્લીઝ તમારા મગજનો પણ ઉપયોગ કરો’, સુપ્રીમ કોર્ટની કોંગ્રેસ MPને મોટી રાહત, ગુજરાત પોલીસે નોંધી હતી FIR
ગુજરાતમાં ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ છે. ટિકિટ ન મળતાં ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળ્યો છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપના અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ઘણાં ઠેકાણે તો કોંગ્રેસ અને આપનો સાથ કરી ચૂંટણીમાં ઝુકાવ્યુ છે. આ જોતાં પરિસ્થિતીને પાલિકા-પંચાયતમાં ભાજપના ઉમેદવારોની સામે ભાજપના અસંતુષ્ટો ચૂંટણી મેદાને છે. રાજકીય સ્થિતિ બેકાબુ બનતાં જ પ્રદેશ ભાજપ નેતાગીરીએ બળવાખોરો પર કાર્યવાહી કરવા નક્કી કર્યુ હતું. કમલમથી આદેશ છૂટતાં જ જિલ્લા પ્રમુખોએ બળવાખોરો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે.
ઉલ્લેખનિય છે કે આ પહેલા દાહોદમાં ભાજપના 18 હોદ્દેદારોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતાં. જૂનાગઢમાંથી પણ 10 હોદ્દેદારોને ઘરનો રસ્તો દેખાડી દેવાયો હતો. હાલ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક ઘુઘવાટ ચાલી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં વધુ બળવાખોરો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.





