ગુજરાતમાં SIR માટે BLOની કામગીરી કરી રહેલા પાંચ કર્મચારીઓનાં છેલ્લા 10 દિવસમાં મોત થયાં છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી હતી. અત્યાર સુધીમાં દેશમાં છેલ્લા 19 દિવસમાં 19 જેટલા BLO નું SIR ની કામગીરી દરમિયાન મોત નિપજ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક દિનેશ રાવળ નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા, જેથી રાત્રે લગભગ 2 વાગ્યે જાગીને SIRની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેઓને તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ પહેલા જ તૈયાર થઈ જશે 16 માળનું ભવ્ય કાલુપુર રેલ્વે સ્ટેશન
મૃતક દિનેશભાઈ રાવળ સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય હતા. દિનેશકુમાર મેલાભાઈ રાવળ સુદાસણા પ્રાથમિક કન્યા શાળામાં 17 જાન્યુઆરી 2001થી સર્વિસ કરતા હતા. BLO તરીકેનું કામ તેમના સુદાસણાના ભાગ નંબર 3માં બૂથ નંબર 38ની અંદર હતું અને અત્યારે SIRની કામગીરી ચાલી રહી છે એ કામ એ કરતા હતા.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં SIR ની ચાલુ કામગીરી દરમિયાન એક મહિલા સહાયક BLO નું પડી જવાથી મૃત્યુ થયાના પછી કોંગ્રેસે રાજ્યમાં BLOની કામગીરી દરમિયાન મોતને ભેટેલા મૃતકના પરિવારને નાણાકીય વળતર અને રોજગારની માંગણી કરી છે. સાથે જ કોંગ્રેસે મતદાર યાદીના ખાસ સઘન સુધારણા સાથે સંકળાયેલી ફરજોમાંથી પહેલાથી જ બીમારીઓ ધરાવતા અધિકારીઓને મુક્ત કરવા વિનંતી પણ કરી હતી.





