Class 12 student commits suicide : વલસાડની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિજ્ઞાન પ્રવાહની બારમા ધોરણની વિદ્યાર્થીની, બોર્ડની પરીક્ષાના પરિણામમાં નાપાસ થયાનું બહાર આવતા મંગળવારે સવારે પારડી તાલુકાની પાર નદીમાં કથિત રીતે કૂદી પડી હતી.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાઘછીપા ગામની રહેવાસી નેહા કમલેશ પટેલ (17) 2022ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થઈ હતી, ત્યારબાદ ફરી પરીક્ષા આપી રહી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, નેહાએ તેનું પરિણામ ઓનલાઈન ચેક કર્યું અને તેના પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ. તેણી પાર નદી પરના પુલ પર પહોંચી અને શાકભાજી વેચનાર પિતા કમલેશ પટેલને ફોન કરી બોલાવ્યા.
“તેણીએ પિતાને ફોન પર કહ્યું કે, તે ફરી એકવાર બોર્ડની પરીક્ષામાં નાપાસ થઈ ગઈ છે અને નદી પારના પુલ પર ઊભી છે. તેણીએ કહ્યું કે, તે માનસિક રીતે પરેશાન હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કમલેશ કંઈ બોલે તે પહેલા નેહાએ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો અને નદીમાં કૂદી પડી.
કેટલાક રાહદારીઓએ નેહાને કૂદતી જોઈ અને સ્થાનિક ગ્રામજનોને જાણ કરી. પારડીના માંગેલા લાઈફ સેવા ગૃપના સ્વયંસેવકોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને નેહાની શોધખોળ માટે નદીમાં ઝંપલાવ્યું હતું. ટીમે થોડા સમય બાદ લાશને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી અને પારડી પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો – ધોરણ 12 સાયન્સ પરિણામ 2023 : કયા જિલ્લામાં કેટલું પરિણામ? ગત વર્ષ કરતા 7 ટકા ઓછુ પરિણામ
લાશને પારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પારડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. ઇન્સ્પેક્ટર બી.જે. સરવૈયાએ કહ્યું, “અમને જાણવા મળ્યું છે કે, તેના માતા-પિતા તરફથી કોઈ દબાણ નહોતું. પરિણામ જોયા બાદ તે માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી અને તેણે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો.