સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યની 8 મહાનગરપાલિકા તેમજ 16 નગરપાલિકાને ‘નિર્મળ ગુજરાત એવોર્ડ્સ’ એનાયત

મુખ્યમંત્રીએ સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અને કુલ રૂ. 18.5 કરોડની પ્રોત્સાહક રકમ એનાયત કરી હતી. આ ઉપરાંત “મારુ શહેર, મારું ગૌરવ અભિયાન” ના લોગોનું અનાવરણ પણ તેમણે કર્યુ હતું.

Ahmedabad September 26, 2025 21:24 IST
સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યની 8 મહાનગરપાલિકા તેમજ 16 નગરપાલિકાને ‘નિર્મળ ગુજરાત એવોર્ડ્સ’ એનાયત
નિર્મલ ગુજરાત પુરસ્કાર મહાત્મા મંદિર ખાતે એનાયત કરાયા. (તસવીર: સોશિયલ મીડિયા)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહ તેમજ સ્વચ્છ ભારત મિશનની ચિંતન શિબિર યોજાઈ હતી. મુખ્યમંત્રીએ સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અને કુલ રૂ. 18.5 કરોડની પ્રોત્સાહક રકમ એનાયત કરી હતી. આ ઉપરાંત “મારુ શહેર, મારું ગૌરવ અભિયાન” ના લોગોનું અનાવરણ પણ તેમણે કર્યુ હતું.

સીએમ ભૂપેન્દ્ર પટેલે નિર્મળ ગુજરાત એવોર્ડ મેળવનારી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને અભિનંદન પાઠવતા કહ્યુ કે, આ પ્રકારના એવોર્ડથી અન્ય શહેરોને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે. નગરપાલિકાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધતા કહ્યું કે, હવે વધુ ગુણવત્તાસભર વિકાસ કાર્યો સૌએ સાથે મળીને કરવા પડશે. વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્યમાં કોઈ એક શહેરનો નહીં પણ નાનામાં નાના છેવાડાના માણસનો વિકાસ કરીને તેને મુખ્ય પ્રવાહમાં લાવવો તે આપણો ધ્યેય છે. તેમણે ઉમેર્યું કે, પીએમ મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા સહિતના વિવિધ અભિયાનો આજે સાચા અર્થમાં જન આંદોલન બન્યા છે.

મુખ્યમંત્રી વધુમાં કહ્યું હતું કે, એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી ગઈકાલે તા. 25 સપ્ટેમ્બરથી શરૂ કરીને સુશાસનના પ્રણેતા સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારીની 100મી જન્મજયંતી તા. 25 ડિસેમ્બર સુધી દેશભરમાં ‘આત્મનિર્ભર ભારત’ માટે હર ઘર સ્વદેશી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના આ અભિયાનને સફળ બનાવવા આપણે ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી દૈનિક ઘરવપરાશની ચીજ વસ્તુઓ સ્વદેશી હોય તેના પર વિશેષ ભાર મૂકવો પડશે. આજના સમયની માંગ સાથે આત્મનિર્ભર ભારત માટે વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવવા મુખ્યમંત્રીએ સૌને આહ્વાન કર્યું હતું.

CM Bhupendra Patel
નિર્મળ ગુજરાત એવોર્ડ મેળવનારી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘મેક ઇન ઈન્ડિયા’ અંતર્ગત ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ તે સ્વદેશી જ ગણાય. દરેક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા જરૂરી છે. સ્વદેશી અને આત્મનિર્ભરતા ઉપર જો આપણે ભાર મૂકીશું તો જ આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવી શકીશું.

તેમણે 2035 માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ અમૃત મહોત્સવ તરીકે ઉજવવાની આપણને તક મળવાની છે તેનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આ માટે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ખેલૈયાઓ માટે માઠા સમાચાર, શનિવારથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ

તેમણે કહ્યું હતું કે, ખૂબ સારી નાણાકીય સ્થિતિ – શિસ્ત સાથે આગળ વધતું હોય એ આપણું ગુજરાત રાજ્ય છે. નીતિ આયોગ મુજબ સમગ્ર દેશમાં પ્રથમ હરોળમાં જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. ગુજરાતમાં આ વર્ષે ઉજવાઇ રહેલા શહેરી વિકાસ વર્ષમાં પ્રજાજનોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ખૂબ સારું ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે. તેનો ખૂબ સારો ઉપયોગ કરી અને પ્રજાજનોને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ એક દિવસીય ચિંતન શિબિરમાં જે સારું લાગ્યું હોય તે તમારા વિસ્તારમાં નાગરિકો સુધી પહોંચાડીને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરતા શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને અનુલક્ષીને પીએમ મોદીએ વર્ષ 2014 માં ‘સ્વચ્છ ભારત મિશન’ની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સ્વચ્છતા અભિયાનમાં લીડ લઈને પરિણામલક્ષી કામગીરી કરી છે, જેની તેમણે વિસ્તૃત ભૂમિકા આપી હતી. જ્યારે, સ્વચ્છ ભારત મિશન ડાયરેક્ટર એમ. નાગરાજને આભારવિધિ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ