સીએનજી વાહનચાલકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. સીએનજી પંપ સંચાલકોના સંગઠન તરફથી ડીલર માર્જિન વધારવાની માંગણીને લઇને 3 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ સ્થગિત કરી છે. આજે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશના સભ્યો અને સરકારી અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં સરકાર તરફથી ટૂંક સમયમાં ડીલર માર્જિનનો મુદ્દે ઉકેલાશે તેવી બાયંધરી આપવામાં આવ્યા બાદ સીએનજી પંપ સંચાલકોએ હડતાળ સ્થગિત રાખી છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશ તરફથી આજે જારી કરાયેલી પ્રેસ રિલિઝ મુજબ આજે ગાંધીનગર ખાતે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશના સભ્યો, સિવિલ સપ્લાય વિભાગના અધિકારીઓ, ત્રણ સરકારી ઓઇલ – ગેસ કંપનીના અધિકારીઓ અને ખાનગી ગેસ વિતરણ કંપનીઓ ગેસ અને ડિસ્ટ્રીબ્યૂશન કંપનીના પ્રતિનિધિઓ સાથે સીએનજી પંપ સંચાલકોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરકારી ઓઇલ કંપનીઓ અને સીએલસી એ ફેડરેશનને લેખિતમાં બાયંધરી આપી છે કે, સીએેનજી પંપ સંચાલકોનું ડીલર માર્જિન 20 માર્ચ સુધીમાં આપી દેવામાં આવશે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશના જનરલ સેક્રેટરી ધીમંત ઘેલાણીએ આજે અમારા સંગઠનના સભ્યો, ગુજરાત સરકારના સિવિલ સપ્લાય વિભાગના અધિકારીઓ, સરકારી ઓઇલ -ગેસ કંપનીઓ અને સાબરમતી ગેસ, અદાણી ગેસ, ગુજરાત ગેસ સહિતની ખાનગી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરકારે ટૂંક સમયમાં સીએનજીના વેચાણ પર ડીલર માર્જિનમાં વધારવા અંગે ટૂંક સમયમાં હકારાત્મક પગલાં લેવાશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. આથી ફેડરેશન તરફથી 3 માર્ચ, 2023ના રોજથી અચોક્કસ મુદ્દત માટે સીએનજીનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.
55 મહિનાથી CNGના વેચાણ પર ડીલર માર્જિન વધ્યુ ન હતું
ઉલ્લેખનિય છે કે, છેલ્લા 55 મહિનાથી સીએનજી પંપ સંચાલકોના ડીલર માર્જિનમાં કોઇ વધારો કરવામાં ન આવતા પંપ સંચલાકોમાં ભારે અસંતોષ હતો અને માંગણી પુરી થાય તેની માટે 3 માર્ચથી અચોક્કસ મુદ્દત માટે સીએનજીનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે આજે સરકાર અને ઓઇલ કંપનીઓ તરફથી સકારાત્મક બાયંધરી મળતા હડતાળ સ્થગિત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં પેટ્રોલપંપ સંચાલકોને સીએનજીના વેચાણ પર પ્રતિ કિલોગ્રામ દીઠ 1.7 રૂપિયા ડીલર માર્જિન મળે છે, જેમાં પંપ સંચાલકો વાર્ષિક 10 ટકા માર્જીન વધારવાની માંગણી કરી છે.