Weather Forecast: ઉત્તર ભારતમાં શિયાળો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે નાતાલના દિવસે ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જેને પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રાજ્યમાં બે-ત્રણ દિવસથી ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. તો રાજસ્થાનના ચુરુમાં તો તાપમાનનો પારો 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આજે પણ તીવ્ર શીત લહેર યથાવત રહેશે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં ઠંડીની કેવી સ્થિતિ
ગુજરાતમાં ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. અહીં ગઈ કાલે 4.2 ડીગ્રી સુધી પારો ગગડી ગયો હતો. ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે.
ગુજરાત હવામાન વિભાગની આગાહી
ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિભાગે આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં 25 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની આગાહી કરી હતી. ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ઉત્તર પવનો ફૂંકાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હજુ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ (25 ડિસેમ્બર 2023)
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 25.8 | 12.6 |
ડીસા | 26.1 | 12.2 |
ગાંધીનગર | 26.0 | 11.2 |
વડોદરા | 27.4 | 11.4 |
વલ્લભ વિદ્યાનગર | 26.1 | 12.0 |
સુરત | 30.0 | 13.6 |
વલસાડ | 30.5 | 16.5 |
દમણ | 27.0 | 12.4 |
ભુજ | 28.2 | 10.8 |
નલીયા | 26.6 | 4.2 |
કંડલા પોર્ટ | 27.8 | 14.5 |
કંડલા એરપોર્ટ | 26.6 | 10.1 |
ભાવનગર | 26.4 | 14.0 |
દ્વારકા | 26.3 | 15.2 |
ઓખા | 24.2 | 19.5 |
પોરબંદર | 27.5 | 10.0 |
રાજકોટ | 27.8 | 10.7 |
વેરાવળ | 28.1 | 14.5 |
દીવ | 29.3 | 12.5 |
સુરેન્દ્રનગર | 27.3 | 12.5 |
મહુવા | 29.8 | 11.7 |
યુપીની શું હાલત છે
ન્યૂઝ એજન્સી ANI તરફથી મળેલી માહિતી અનુસાર ગાઝિયાબાદ, નોઈડાથી લઈને મુરાદાબાદ સુધીના સ્થળોએ ધુમ્મસ છવાયું છે. મુરાદાબાદમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ અઠવાડિયે સમગ્ર પશ્ચિમ યુપીમાં તીવ્ર ઠંડી પડશે. ઉત્તરાખંડ, હરિદ્વારના મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અહીં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે.
અમૃતસર અને દિલ્હીમાં 6.5 ડિગ્રી તાપમાન
જ્યાં પંજાબમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યાં આજે ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે દિવસ ફરી શરૂ થયો છે. પંજાબના અમૃતસરમાં આજે લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દેશની રાજધાની નવી દિલ્હીની પણ આવી જ હાલત હતી. IMDએ જણાવ્યું કે આજે સફદરજંગમાં 5 ડિગ્રી સેલ્સિયસ અને પાલમમાં 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો – Gujarat Weather Forecast: ગુજરાતમાં કડકડતી ઠંડીની જોવાતી રાહ, આગામી સપ્તાહમાં તાપમાનનો પારો ગગડવાની આગાહી
IMD અનુસાર, આજે સવારે પંજાબના ભટિંડા અને રાજસ્થાનના બિકાનેરમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. અહીં ઘણા વિસ્તારોમાં ઝીરો વિઝિબિલિટી નોંધાઈ હતી. પંજાબના અમૃતસરમાં વિઝિબિલિટી 25 મીટર અને હરિયાણાના અંબાલામાં 50 મીટર હતી.