શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજી જોઈએ એવી ઠંડી પડતી નથી. ડિસેમ્બર મહિનો પુરુ થવાના આરે આવ્યો છે છતાં ગુજરાતમાં કડકડતી ઠંડીની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહમાં તાપમાનનો પારો અને સામાન્ય થવાની આશા છે. અમદાવાદના હવામાના નિષ્ણાંત મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે તાપમાનમાં થયેલા અચાનક વધારાના કારણે ડીપ ડિપ્રેશન વેધર સિસ્ટમ તૈયાર થઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી ત્રણથી પાંચ દિવસની અંદર તાપમાનનો પારો ઘટવાની આશા છે.
હવામાન વિભાગના બુલેટિન અનુસાર બુધવારે સમગ્ર ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધારે નોંધાયું હતું. કંડલામાં 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો જે રાજ્યનું સૌથી વધારે તાપમાન નોંધાયું છે. જોકે, અનેક વિસ્તારોમાં રાતના સમયે તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી વધારે રહ્યું હતું. ઓખામાં ન્યૂનતમ તાપમાન 21.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભૂજ અને ડીસાનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સામાન્યથી ચાર ડિગ્રી વધારે હતું. જ્યારે વડોદાર અને ભાવનગરનું તાપમાન ક્રમશઃ 16.6 અને 18.2 ડિગ્રી સેલ્સિયસ સામાન્યથી તર્ણ ડિગ્રી વધારે હતું.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
અમદાવાદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્યથી 2.4 ડિગ્રી વધારે છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન વાળા કેન્દ્રોની વાત કરીએ તો વડોદરામાં 32.6 ડિગ્રી, રાજકોટમાં 32.3 ડિગ્રી, અમરેલીમાં 31.8 ડિગ્રી, વેરાવળ અને ગીરમાં 31.6 ડિગ્રી સેલ્સિયસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 22 ડિસેમ્બર શીખ ધર્મના ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ
રાજ્યભરમાં આ અસામાન્ય ઉચ્ચ રાતના સમયના તાપમાનનો હવાલો આપતા મોહંતીએ કહ્યું હતું કે “આ અરબ સાગરમાં વિકસિત થયેલી લો પ્રેશરના કારણે વધ્યું છે. જેના કારણે વાતાવરણમાં ભેજ પણ વધ્યો છે. જેના પરિણામે ગત સપ્તાહમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.”
કેવું રહેશે ઉત્તર પ્રદેશમાં હવામાન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. ગુરુવારે સવારે દેશની રાજધાની નવી દિલ્હીને અડીને આવેલા નોઈડા, ગાઝિયાબાદથી પૂર્વી યુપી સુધીના મોટાભાગના જિલ્લાઓ ધુમ્મસમાં ઘેરાઈ ગયા હતા.
દિલ્હીમાં તાપમાનનો પારો ઘટશે
દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી રહેવાની સંભાવના છે જ્યારે મહત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. આજે પણ રાજધાની નવી દિલ્હીના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની નવી દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં આ સપ્તાહના અંતમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. ગુરુગ્રામમાં હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણ દિવસ માટે ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી, વિપક્ષે ઉઠાવ્યો વાંધો, પરંપરાનો ભંગ કર્યો
ગુરુગ્રામ ઉપરાંત હવામાન વિભાગે હરિયાણાના ઝજ્જર, રોહતક, સોનીપત, પાણીપત સિરસા, ફતેહાબાદ, હિસાર, જીંદ, ભિવાની, કરનાલ, કૈથલ, કુરુક્ષેત્ર અને અંબાલામાં ધુમ્મસને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર જ્યારે વિઝિબિલિટી 0 થી 50 મીટરની વચ્ચે હોય ત્યારે ધુમ્મસને ‘ખૂબ ગાઢ’ ગણવામાં આવે છે. જો તે 51 થી 200 મીટરની વચ્ચે રહે છે, તો ‘ગાઢ ધુમ્મસ’ની સ્થિતિ માનવામાં આવે છે. 201 – 500 મીટર વચ્ચેની દૃશ્યતા ‘મધ્યમ’ સ્થિતિ તરીકે ગણવામાં આવે છે.