Gujarat Weather Forecast: ગુજરાતમાં શિયાળીની શરૂઆત થઈ ગઈ છે. જોકે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી શિયાળો અસલ મિજાજ બતાવશે અને તાપમાન 10 ડિગ્રી જેટલું ઘટી શકે છે. ગઈકાલે અમદાવાદમાં 18.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 4.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે રાત્રે 17.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.
હવામાન નિષ્ણાતો અનુસાર, ગુજરાતમાં 18 થી 25 ડિસેમ્બર દરમિયાન માવઠાની સંભાવના છે. ત્યાં જ 7 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. અમદાવાદમા 6 ડિસેમ્બર સુધી તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેની ધારણા છે, અને 7 ડિસેમ્બર બાદ પારો ગગડવા લાગશે અને તાપમાન 15 ડિગ્રીથી નીચે જઈ શકે છે. ત્યાં જ 18 થી 25 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યોમાં માવઠાની શક્યતા છે.
હવામાન નિષ્ણાતો અનુસાર, આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડી શકે છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાનું અનુમાન છે.
આ પણ વાંચો: આ ગુજરાતી ફિલ્મોનો વર્ષ 2025માં વાગ્યો ડંકો, ફક્ત બોલીવુડ જ નહીં પણ સાઉથની ફિલ્મોને પણ ધૂળ ચટાડી
તમને જણાવી દઈએ કે, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે. વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં દિત્વા વાવાઝોડાની અસર થશે. ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા પડી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી નો ચમકારો વધશે. તથા ઉત્તર ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડી પડશે. તેમજ ઉત્તર ગુજરાતનું લઘુત્તમ ઉષ્ણતામાન 12 ડિગ્રીથી ઘટી શકે છે.





