Surat News: સુરત જિલ્લામાં વન વિભાગના એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની કારમાં બેભાન અને ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાને માથામાં ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમનું ઓપરેશન કર્યું અને તેમના માથામાંથી ગોળી કાઢી. હાલમાં તેમની હાલત ગંભીર છે.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના કામરેજ તાલુકાના વાવ જોખા ગામમાં બની હતી. એક રાહદારીએ મહિલાને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારમાં બેભાન અને ઘાયલ અવલસ્થામાં જોઈ હતી. તેમણે તાત્કાલિક તેમના પરિવારને જાણ કરી. પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા.
માથામાંથી લોહી નીકળતું હતું
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં માથામાં ગંભીર ઈજા હોવાનું બહાર આવ્યું છે. સીટી સ્કેન અને અન્ય પરીક્ષણો કર્યા પછી ડોકટરોએ તેમના માથામાં એક ગોળી શોધી કાઢી. મોડી રાત્રે ડોકટરોએ તેમનું ઓપરેશન કર્યું અને તેમના માથામાંથી ગોળી કાઢી. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમની સારવાર ચાલુ છે અને તે હજુ પણ ખતરાથી બહાર નથી.
આ પણ વાંચો: દર મહિને 4 નહીં, 10 લાખ રૂપિયા આપો, મોહમ્મદ શમીની પત્નીની માંગણી પર સુપ્રીમ કોર્ટ એક્શનમાં
માથામાંથી ગોળી કાઢવામાં આવી
સુરતના પોલીસ અધિક્ષક ભાવેશ ગઢિયાએ જણાવ્યું હતું કે મહિલા અધિકારીના માથામાંથી ગોળી કાઢવામાં આવી છે, પરંતુ તેમની હાલત ગંભીર છે. પોલીસ તપાસ કરી રહી છે કે અધિકારીએ પોતે ગોળી ચલાવી હતી કે કોઈ બીજા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, ફોરેન્સિક ટીમ પણ તપાસમાં સામેલ થઈ છે.
પતિ વિરૂદ્ધ કરી હતી ફરિયાદ
પોલીસના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા મહિલા અધિકારીએ તેના અલગ થયેલા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેના પર હેરાનગતિ અને ધમકીઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેનો પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર છે. હાલમાં કામરેજ પોલીસે કેસ નોંધ્યો છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરી રહ્યા છે.





