Gambhira Bridge Collapse Incident: આજે સવારે વડોદરા જિલ્લામાં થયેલા દુ:ખદ ગંભીરા પુલ અકસ્માતમાં 10 જેટલા લોકોના મોત થયા છે. આ અકસ્માત બાદ રાજ્યની ભૂપેન્દ્ર સરકારે તપાસના આદેશ આપ્યા છે, પરંતુ કોંગ્રેસનો દાવો છે કે તેમને પહેલાથી જ આ ઘટનાનો આભાષ થઈ ગયો હતો. ગુજરાત કોંગ્રેસે કહ્યું કે અમે સરકારને કહ્યું હતું કે પુલ સારી સ્થિતિમાં નથી અને તેના કારણે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે. પાર્ટીના નેતા અમિત ચાવડાએ કહ્યું કે રાજ્ય સરકારની બેદરકારીને કારણે આ ઘટના બની છે.
અમિત ચાવડાએ ANI ને જણાવ્યું હતું કે, “આણંદ અને વડોદરા જિલ્લાઓને જોડતો ગંભીરા પુલ આજે સવારે તૂટી પડ્યો. સમગ્ર સૌરાષ્ટ્રનો ટ્રાફિક અહીંથી પસાર થાય છે. અમે સરકારને વારંવાર માંગ કરી હતી અને લોકોએ તેમને પત્ર પણ લખ્યો હતો કે પુલ સારી સ્થિતિમાં નથી અને તેનું સમારકામ કરાવવું જોઈએ પરંતુ સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી. આ કારણે આ ઘટના બની.”
તેમણે દાવો કર્યો હતો કે ખરાબ થતો પુલ અને ચેતવણીઓ પર ધ્યાન ન આપવામાં આવતા મોટી દુર્ઘટના તરફ ઈશારો કરી રહ્યા હતા. આ ઘટનામાં એક ટ્રક, એક વાન અને એક કાર નીચે મહિસાગર નદીમાં પડી ગઈ. સ્થાનિક લોકો મદદ માટે સૌથી પહેલા દોડી આવ્યા હતા ત્યારબાદ પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, વડોદરાના પોલીસ અધિક્ષક રોહન આનંદે પુષ્ટિ આપી કે મૃત્યુઆંક 10 છે. આનંદે જણાવ્યું હતું કે ત્રણ વધુ લોકોના ડૂબી જવાની આશંકા છે, જ્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ના કર્મચારીઓ બચી ગયેલા લોકોને શોધવા માટે નદીમાં શોધખોળ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગંભીરા પુલ ધરાશાયી: ગુજરાત CMની X પોસ્ટ પર લોકોએ પૂછ્યું- બાકીના પડી જાય ત્યાં સુધી રાહ જોવાની…
વડોદરા એસપીએ જણાવ્યું હતું કે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને બચાવ કામગીરી પૂર્ણ થયા પછી પોલીસ તપાસ શરૂ કરાશે. આનંદે જણાવ્યું હતું કે,”અમે જિલ્લા કલેક્ટર પાસેથી તપાસ અહેવાલ પણ માંગીશું.” તેમણે ઉમેર્યું હતું કે, પીડિતોના મૃતદેહોને શબપરીક્ષણ માટે પાદરા રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.