ડીજી વણઝારાએ નવો રાજકીય પક્ષ બનાવ્યો ‘પ્રજા વિજય પક્ષ’, ગુજરાતમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડશે

DG Vanzaras New Political Party : ડીજી વણઝારાએ નવો પક્ષ પ્રજા વિજય પક્ષ (praja vijay paksh) બનાવી ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election) માં તમામ 182 બેઠકો (182 Seat) પર ચૂંટણી લડવાની જાહેરાત કરી, ગુજરાતના રાજકારણ ( Gujarat Politics) માં હલચલ મચાવી છે.

Written by Kiran Mehta
Updated : November 08, 2022 18:40 IST
ડીજી વણઝારાએ નવો રાજકીય પક્ષ બનાવ્યો ‘પ્રજા વિજય પક્ષ’, ગુજરાતમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડશે
ડીજી વણઝારાએ નવો રાજકીય પક્ષ બનાવ્યો પ્રજા વિજય પક્ષ

DG Vanzaras New Political Party : ડીજી વણઝારાનો નવો રાજકીય પક્ષ, ગુજરાતના જાણીતા પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારાએ નવો રાજકીય પક્ષ તૈયાર કર્યો છે. ‘પ્રજા વિજય પક્ષ’ નામના રાજકીય પક્ષની જાહેરાત કરતા ડીજી વણઝારાએ કહ્યું કે, તેઓ ગુજરાત વિધાનસભાની તમામ (182 બેઠકો) પર ચૂંટણી લડશે. તેમના ટ્વીટર હેન્ડલ પર ગુજરાતી ભાષામાં તેમના રાજકીય પક્ષની જાહેરાત કરતા ડીજી વણઝારાએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના શાસનનો અંત લાવવા અને આવતીકાલે “નિર્ભય પ્રજારાજ”ની સ્થાપના કરવાના નવા રાજકીય વિકલ્પ તરીકે. “પ્રજા વિજય પક્ષ”ની ઔપચારિક જાહેરાત કરવા આવ્યો છું.’

બીબીસી ન્યૂઝ અનુસાર, ડીજી વણઝારાની પાર્ટીના જનરલ સેક્રેટરી સામંત સિંહે જણાવ્યું કે, તેમની પાર્ટી ‘પ્રજા વિજય પક્ષ’ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. પોતાની કારકિર્દી દરમિયાન સતત વિવાદોમાં રહેલા પૂર્વ IPSએ ભાજપ અને કોંગ્રેસ બંને પર પ્રહારો કર્યા હતા.

2013માં જેલમાંથી મોકલાયેલું રાજીનામું, ગુજરાત સરકારે ફગાવી દીધું હતું

વણઝારાના અમદાવાદમાં પોસ્ટિંગ દરમિયાન તેમણે 20 જેટલા લોકોનું એન્કાઉન્ટર કર્યું હતું. બાદમાં સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું કે, આ તમામ એન્કાઉન્ટર નકલી હતા. તેઓ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ખૂબ નજીક હતા. બનાવટી એન્કાઉન્ટર કેસમાં ડીજી વણઝારાને લગભગ 8 વર્ષ સુધી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેવું પડ્યું હતું. ડીજી વણઝારાએ વર્ષ 2013માં જેલમાંથી જ પોતાનું રાજીનામું ગુજરાત સરકારને મોકલી આપ્યું હતું, પરંતુ સરકાર દ્વારા તેમનું રાજીનામું ફગાવી દેવામાં આવ્યું હતું.

રાજીનામામાં મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા

રાજીનામા પત્રમાં વણઝારાએ તત્કાલીન ગુજરાતની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, મોદી સરકાર અમદાવાદની સાબરમતી જેલ અથવા મુંબઈની તળોજા જેલમાં હોવી જોઈએ. તેમણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના તત્કાલિન ગૃહમંત્રી અમિત શાહ પર પોલીસ તંત્રનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. વણઝારાએ સરકારને મોકલેલા રાજીનામામાં એમ પણ લખ્યું હતું કે, હું સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે 2002 થી 2007 વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ અને બોર્ડર રેન્જે જે કર્યું તે તત્કાલીન ગુજરાત સરકારની નીતિ હતી. અમે તો તે નીતિને અનુસરતા હતા.

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી : મુસલમાન વિસ્તારમાં આપની તિરંગા યાત્રા, મુસ્લીમ બોલ્યા – ‘અમે AAP ને નથી ઓળખતા’

કોણ છે ડીજી વણઝારા?

ડીજી વણઝારા ગુજરાત કેડરના 1987 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ ગુજરાતમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા હતા. અગાઉ તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં હતા, બાદમાં તેમને ગુજરાત એટીએસના વડા બનાવવામાં આવ્યા હતા. વણઝારા પાકિસ્તાની સરહદને અડીને આવેલા વિસ્તારમાં બોર્ડર રેન્જના આઈજી પણ રહી ચૂક્યા છે. વણઝારા 2002 થી 2005 સુધી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર હતા. આ દરમિયાન તેમની કારકિર્દી ઘણા વિવાદોમાં રહી હતી અને તેમણે નકલી એન્કાઉન્ટરના કેસમાં જેલ જવું પડ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ