/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ahmedabad-News.jpg)
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલી અને લગભગ 40 વર્ષ જૂની આશીયાના સોસાયટીના રિડવલપમેન્ટને લઈ વિવાદ.
Ahmedabad News: અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, જે અંતર્ગત શહેરમાં મોટી-મોટી બિલ્ડીંગો અને આલિશાન ફ્લેટો પણ બની રહ્યા છે. ત્યાં જ જૂની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની કામગીરી થઈ રહી છે. તો કેટલાક કિસ્સાઓમાં બિલ્ડર દ્વારા યોગ્ય કિંમત નક્કી કરી આખી સોસોયટીના મકાનો ખરીદીને તેમાં નવી સ્કિમો બાંધવામાં આવી રહી છે પરંતુ આ દરમિયાન શહેરમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં મકાન માલિકો દ્વારા બિલ્ડરો પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમની સાથે અન્યાય થયો છે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જેમાં ચાર પરિવારોએ બિલ્ડર સામે મોર્ચો માંડ્યો છે અને કાયદાકીય લડાઈનો સહારો લીધો છે. આ પરિવારજનોનું કહેવું છે કે, બિલ્ડર અને તેના માણસોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યા બાદ એ હદે પરેશાન કર્યા કે તેઓને કાયદાકીય લડતનો સહારો લેવો પડ્યો છે.
અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં આવેલી આશીયાના એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક પરિવારો હાલમાં એક બિલ્ડરની દાદાગીરી સામે કાયકીય લડાઈ લડી રહ્યા છે કારણ કે તેઓ જે સોસાયટીમાં રહેતા હતા તેને બિલ્ડરે ખરીધી લીધી છે. હવે આ સોસાયટીની જમીન પર બિલ્ડીંગ બનવાનું શરૂ પણ થઈ ગયું છે. પરંતુ આશિયાના સોસાયટીના ચાર જેટલા પરિવારોએ આક્ષેપ કર્યો છે કે તેમને માનસિક રીતે હેરાન-પરેશાન કરીને તેમના ફ્લેટ તોડવામાં આવ્યા છે. પહેલા તેમના ઘરની પાણીની ટાંકી તોડી દેવામાં આવી પછી સોસાયટીના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા, જેથી કરીને ઘર ખાલી કરી દઈએ. વધુમાં આ પીડિત પરિવારોનું કહેવું છે કે, આ મામલે તેમણે પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકામાં રજૂઆતો કરી હોવા છતા તેઓનું કોઈ સાંભળતું નથી અને પોતાનું ઘર છોડીને આ ચાર જેટલા પરિવારો ભાડાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે.
આ સંદર્ભમાં નીચલી કોર્ટ અને હાઇકોર્ટમાં પણ આશીયાના સોસોયટીના ચાર સભ્યો ગયા હતા. જોકે હાઇકોર્ટમાં રજૂઆત બાદ તેમનો કેસ ફરીથી સેસન્સ કોર્ટમાં ટ્રાંસફર કરવામાં આવ્યો હતો જે બાદ આ કોર્ટ કેસ તો ચાલી રહ્યો છે પરંતુ આશીયાના એપાર્ટમેન્ટના ચાર પરિવારો મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. કારણ કે કોર્ટ કેસ દરમિયાન જ તેઓના ઘર જમીનદોસ્ત થઈ ગયા છે.
આ પણ વાંચો: એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ કેન્સલ, મુસાફરો એરપોર્ટ પર અટવાયા
શું છે આખો મામલો?
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલી અને લગભગ 40 વર્ષ જૂની આશીયાના સોસાયટી જર્જરીત હાલાતમાં હતી અને તેનું ફરીથી સમારકામ થઈ શકે તેવી સ્થિતિ ન હતી, જે બાદ તેનું રિડેવલપમેન્ટ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ'આર્ટ નિર્માણ લિમિટેડ' નામના બિલ્ડર દ્વારા સોસાયટીમાં રિડેવલપમેન્ટ માટે કરાર કરવામાં આવ્યો હતો. જે બાદ રેરામાં આપેલી માહિતી મુંજબ 'શ્રી વિષ્ણુધારા આશિયાના' નામની સ્કિમ બનાવવાનું નક્કી થયું હતું. પરંતુ આ સોસાયટીના કેટલાક સભ્યોએ ઘરના બદલામાં ઘરની માંગણી કરી હતી અને મકાન ખાલી કરવાથી ઇન્કાર કર્યો હતો. જે બાદ બિલ્ડર દ્વારા તેઓને ઘર ખાલી કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. જોકે સોસાયટીના સભ્ય ભાવેશભાઈ એમ શાહ અને અન્ય ત્રણ પરિવારોએ ઘર ખાલી ન કરતા તેઓને માનસિક રીતે હેરાન કરાયાનો આરોપ લગાવ્યો છે.
કોર્ટ કેસ દરમિયાન ઘર જમીનદોસ્ત
આશીયાના સોસાયટીના સભ્ય ભાવેશભાઈ એમ શાહ અને અન્ય ત્રણ પરિવારોએ આર્ટ નિર્માણ લિમિટેડના બિલ્ડર પર આરોપ લગાવ્યો છે કે, તેઓને છેલ્લા 2.5 વર્ષથી નક્કી કરેલ ભાડા ચુકવાયા નથી. તેઓ જ્યારે સોસાયટીમાં રહેતા હતા ત્યારે તેઓની સોસાયટીમાં ખોટી રીતે ઢોરોને છોડી દેવાતા હતા અને કોર્ટ કેસ ચાલતો હોવા છતા તેઓનું ઘર તોડી પાડવામાં આવ્યું. ત્યાં જ તેઓને ભાડાના ઘરમાં રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.
બિલ્ડરે મકાનો તોડ્યા ભાડું ના આપ્યું
વધુમાં ભાવેશભાઈ એમ શાહે આરોપ લગાવ્યો હતો કે, આ મામલે તેમને આજ દિન સુધી બિલ્ડર દ્વારા ભાડા પેટે એક પણ રૂપિયો ચુકવવામાં આવ્યો નથી. તેઓ લગભગ 2.5 વર્ષથી ભાડાના મકાનમાં રહી રહ્યા છે.
આ અંગે પીડિત પરિવારોનું કહેવું છે કે, અમદાવાદ પોલીસ કમિશનર તથા ડીસીપીને લેખિતમાં જાણ કરી છે કે બિલ્ડર દ્વારા અમારી સોસાયટીની જમીન પર ખોટી રીતે પ્લાન પાસ કરાવ્યા છે અને બિલ્ડીંગ બાંધી દીધું છે. અમે આ મામલે પરસ્પર સહેમતિથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં બિલ્ડરને રસ નથી જેથી સમાધાન ના થતા અમે કાયદાનો સહારો લીધો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us