Ahmedabad Plan Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 163 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 124 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું.
મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આજે 21 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. તેમણે કહ્યું કે, દુર્ઘટના સમયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કુલ- 71 પેશન્ટ માંથી 2 ના મૃત્યુ થયા છે. બાકીના 69 માંથી 42 ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1 દર્દીની સ્થિતિ ક્રિટિકલ છે. તથા બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. વધુમાં તેમણે કહ્યું કે, 30 મેડિકલ સ્ટુડન્ટ દાખલ કરવામાં હતા જેમાંથી હાલ એક જ સ્ટુડન્ટ દાખલ છે.
ડૉ. રાકેશ જોશીએ અત્યાર સુધી સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. જેમાં ઉદેપુરના- 2 વડોદરા- 16, ખેડા-10, અમદાવાદ- 41, મહેસાણા-5, બોટાદ-1, જોધપુર-1, અરવલ્લી-2, આણંદ-9, ભરૂચ-5, સુરત-4 ગાંધીનગર-6, મહારાષ્ટ્ર-2, દીવ-5, જૂનાગઢ-1, અમરેલી-1, ગીરસોમનાથ-3, મહીસાગર-1, ભાવનગર-1, લંડન-2, પાટણ-1, રાજકોટ-1, મુંબઈ-3 અને નડિયાદ-1 ના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ કેન્સલ, મુસાફરો એરપોર્ટ પર અટવાયા
ડૉ. રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવદેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.
જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે, એમ તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે પરિવારજનો પાર્થિવદેહ સ્વીકારવા આવે ત્યારે હાથ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી અને કરવામાં આવેલી વ્યવસ્થા વિશે પણ માહિતી પૂરી પાડી હતી.