ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના સ્થળ પર તાપમાન એટલું વધારે હતું કે બચાવ કામગીરી લગભગ અશક્ય બની ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં 1.25 લાખ લિટર બળતણ ભરેલું હતું, જે અકસ્માત પછી ભીષણ આગમાં ફેરવાઈ ગયું અને તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને તેમાં કુલ 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. ટેકઓફ થયાની થોડી મિનિટો પછી વિમાન અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ અને રહેણાંક વિસ્તારોમાં ક્રેશ થયું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “વિમાનમાં 1.25 લાખ લિટર બળતણ હતું. તે સંપૂર્ણપણે બળી ગયું હતું અને આવામાં કોઈને બચાવવું અશક્ય હતું.” તેમણે કહ્યું કે અકસ્માતના દ્રશ્યો ખૂબ જ ભયાનક હતા.
રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ના અધિકારીએ જણાવ્યું હતું કે તેમની ટીમ બપોરે ૨ થી 2:30 વાગ્યાની વચ્ચે ઘટનાસ્થળે પહોંચી હતી. તે પહેલાં કેટલાક સ્થાનિક લોકોએ કેટલાક લોકોને બહાર કાઢ્યા હતા, પરંતુ બચાવ ટીમને કોઈ જીવતું મળ્યું ન હતું. એક વરિષ્ઠ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, “વિમાનની ટાંકીમાં વિસ્ફોટથી એટલી આગ લાગી હતી કે તાપમાન તરત જ 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આટલા તાપમાનમાં કોઈ બચી શક્યું ન હોત.”
આ પણ વાંચો: નવી જિંદગીનું સોનેરી સપનું અને છેલ્લી ઉડાન, ડૉક્ટર દંપતીનો આખો પરિવાર પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યો
આટલો વિનાશ પહેલાં ક્યારેય જોયો નથી
એસડીઆરએફના એક કાર્યકરએ કહ્યું કે તે 2017 થી આપત્તિ વ્યવસ્થાપનમાં છે, પરંતુ તેણે આટલી ભયંકર પરિસ્થિતિ પહેલાં ક્યારેય જોઈ નહોતી. તેમણે કહ્યું, “અમે પીપીઈ કીટ પહેરી હતી, પરંતુ ગરમી એટલી ભયંકર હતી કે કામગીરી અત્યંત મુશ્કેલ બની ગઈ. બધે કાટમાળ બળી રહ્યો હતો.” અધિકારીએ કહ્યું કે તેમણે 25-30 મૃતદેહો બહાર કાઢ્યા, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃતદેહોની ઓળખ ફક્ત ડીએનએ પરીક્ષણ દ્વારા કરવામાં આવશે.
પ્રાણીઓ અને પક્ષીઓ પણ બચી શક્યા નહીં
એસડીઆરએફના બીજા એક અધિકારીએ કહ્યું, “પ્રાણીઓ અને પક્ષીઓને પણ બચવાનો સમય મળ્યો ન હતો.” ઘટનાસ્થળે મૃત કૂતરાઓ અને પક્ષીઓ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે વિનાશ એટલો ભયંકર હતો કે કોઈને જીવ બચાવવાનો સમય મળ્યો નહીં.
પોલીસે જણાવ્યું હતું કે 265 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી સત્તાવાર મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો નથી. આ અકસ્માતમાં માત્ર વિમાનના મુસાફરો જ નહીં પરંતુ મેડિકલ કોલેજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કેમ્પસમાં હાજર અન્ય લોકો પણ મૃત્યુ પામ્યા છે.