Banaskantha earthquake: બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી 34 કિલોમીટર દુર નોંધાયું હતું. આ ભૂકંપની અસર રાજસ્થાનના કેટલાક વિસ્તારો સુધી અનુભવાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં નોંધાયું છે. 3.3 કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે.
ભૂકંપના આંચકાને કારણે આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જેના કારણે લોકો ઘર અને ઈમારતોની બહાર દોડી આવ્યા હતા. જો કે, રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયાનો કોઈ અહેવાલ નોંધાયા નથી.
રાજસ્થાનમાં ભૂકંપના આંચકા
ગુરુવારે રાજસ્થાનના જાલોર અને સિરોહી જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. હાલમાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
આ પણ વાંચો: પાસપોર્ટ બનાવવા માટે જરૂરી સ્ટેપ્સ
ગુજરાતમાં 200 વર્ષમાં ભયંકર ભૂકંપની ઘટનાઓ
ગુજરાત ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર (GSDMA) ના આંકડા મુજબ છેલ્લા 200 વર્ષોમાં ગુજરાતમાં નવ વખત ભયંકર ભૂકંપ આવ્યો છે. GSDMAના આંકડા મુજબ 26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં આવેલો ભૂકંપ છેલ્લી બે સદીમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી તીવ્ર અને બીજો સૌથી વિશાનકારી ભૂકંપ હતો. વર્ષ 2001ના કચ્છ ભૂકંપમાં 13800 લોકોના મોત થયા હતા અને 1.67 લોકો ઘાયલ થયા હતા.
ભૂકંપ કેમ આવે છે?
ભૂકંપ એટલે કે ધરતીકંપ એક ભૂસ્તરીય ઘટના છે. પૃથ્વીના પેટાળમાં અસમાન્ય હલનચલનથી ભૂકંપ આવે છે. પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે. પૃથ્વીના પેટાળમાં રહેલી આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર પ્લેટો ટકરાવાના કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ સમયે પૃથ્વીના પેટાળમાં રહેલી નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.