Kirti Patel arrested under PASA: સોશિયલ મીડિયા પોતાના વિવાદાસ્પદ નિવેદનો, બેફામ વાણી વિલાસ, અભદ્ર હરકતો દ્વારા સતત ચર્ચામાં રહેતી અને ખંડણીખોરી તથા હનીટ્રેપના ગુનાઓમાં નામચીન કીર્તિ પટેલ સામે સુરતની કાપોદ્રા પોલીસે કાયદાનો કોરડો વિંઝ્યો છે. કાયદાનો ડર પેદા કરવા માટે પોલીસે પહેલીવાર તેના પર પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને વડોદરા મધ્યસ્થ જેલ ભેગી કરી છે.
નામચીન કીર્તિ પટેલ સામે સુરત સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 9 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની મુખ્ય મોડસ ઓપરેન્ડી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવા અને ખંડણી પડાવવાની હતી.
વારંવાર ગુના આચરવાની ટેવ અને સમાજની શાંતિ માટે જોખમરૂપ બની જતી પ્રવૃત્તિઓને કારણે કાપોદ્રા પોલીસે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો. એમ.આર. સોલંકીની દેખરેખ હેઠળ આ પાસા પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ISIS સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ, જાણો તેમનો પ્લાન શું હતો?
કીર્તિ પટેલ સામે પાસા લગાવવાનો મુખ્ય આધાર કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હનીટ્રેપ અને ખંડણીનો ગંભીર ગુનો છે. ગત જૂન 2024માં કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસમાં ગુનો નોંધાયો હતો. જેમાં એક ફ્લેટ બુક કરાવી કેન્સલ કર્યા બાદ વધુ રકમની માંગણી કરનાર એક શખ્સ સાથે મળીને કીર્તિએ સુરતના એક વૃદ્ધ બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. હનીટ્રેપમાં ફસાવ્યા બાદ બિલ્ડરને બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ગુનામાં કાપોદ્રા પોલીસે અગાઉ કીર્તિ પટેલની ધરપકડ કરી હતી. જોકે, જામીન પર છૂટ્યા બાદ પણ તેની પ્રવૃત્તિઓમાં સુધારો ન આવતા, કાયદાનો ખૌફ ઊભો કરવા માટે પોલીસે પાસા હેઠળ અટકાયત કરવાનો નિર્ણય લીધો.





