ગુજરાત હાઇકોર્ટે બે લોકોને કોર્ટની અપરાધિક અવમાનનાના દોષિત માન્યા છે અને બન્નેને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 24 ફેબ્રુઆરીએ મામલાની સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એનવી અનજારિયાની બેન્ચે બન્ને દોષિતોને સાંજે 5 કલાક સુધી કોર્ટમાં ઉભા રહેવાનો આદેશ પણ આપ્યો હતો.
જજને ધારાસભ્યના નામે કરાવ્યો હતો નકલી ફોન
આ ઘટના 2020ની છે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ પ્રમાણે બન્ને દોષિતોમાંથી એક વ્યક્તિએ ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. પછી તેણે બીજા વ્યક્તિને હાયર કર્યો જેણે જસ્ટિસ બેલા ત્રિવેદીને કોંગ્રેસ ધારાસભ્ય નિરંજન પટેલના નામથી નકલી ફોન કર્યો હતો. જેથી તેમના પર આગોતરા જામીન માટે દબાણ બનાવી શકાય.
બાદમાં જસ્ટિસ બેલા ત્રિવેદીએ વ્યક્તિને આગોતરા જામીન આપવાથી ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની પાસે અગ્રીમ જામીન માટે કોંગ્રેસ ધારાસભ્ય નિરંજન પટેલના નામથી કોઇ બીજા વ્યક્તિએ ફોન પણ કર્યો હતો. કેટલાક સમય પછી ખુલાસો થયો કે જે વ્યક્તિએ આગોતરા જામીન માટે અરજી કરી હતી તેણે જ બીજા વ્યક્તિ પાસે ધારાસભ્યના નામે નકલી ફોન કરાવ્યો હતો. જે પછી બન્ને પર કોર્ટની અપરાધિક અવમાનનાનો કેસ નોધાયો હતો.
આ પણ વાંચો – ગુજરાત બજેટ 2023 : ગુજરાતમાં 75 ડીસ્ટ્રીકટ અને 25 સિનિયર સિવિલ કોર્ટ સ્થપાશે
કોણ છે જસ્ટિસ બેલા ત્રિવેદી?
જસ્ટિસ બેલા ત્રિવેદી ગુજરાત સરકારના લો સેક્રેટરી રહ્યા છે. 2011માં તેમને ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા. કેટલાક મહિના પછી તેમને રાજસ્થાન હાઇકોર્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. 2013માં જસ્ટિસ બેલા ત્રિવેદી રાજસ્થાન હાઇકોર્ટમાં પરમાનેન્ટ જજ બન્યા હતા.
2016માં ફરી ગુજરાત હાઇકોર્ટ મોકલવામાં આવ્યા હતા. જ્યાં 5 વર્ષ એટલે કે 2021 સુધી કાર્યરત રહ્યા હતા. આ પછી સુપ્રીમ કોર્ટમાં જજ નિયુક્ત થયા હતા.