વલસાડ : પારડીથી એક ચોંકાવનારી ક્રાઈમની ઘટના સામે આવી છે. પૈસા માટે પિતા પુત્ર એક બીજા પર દુશ્મનની જેમ ત્રાટક્યા અને પિતાએ ગુસ્સામાં આવી પુત્રને જ મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાની જાણ ગામમાં થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે આરોપી પિતાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પારડીમાં પિતાએ પુત્રને કુલ્હાડીના ઘા મારી હત્યા કરી દીધી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને મામલો હાથ પર લઈ પિતાની ધરપકડ કરી, મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી ઘટના કેમ બની તે અંગે પૂછપરછ શરૂ કરી દીધી હતી.
આરોપી પિતાની ધરપકડ બાદ તબીયત લથડી
વિગતે ઘટનાની વાત કરીએ તો, પારડીમાં પિતા નામદેવભાઈ અને તેમના નાના પુત્ર વચ્ચે પૈસાને લઈ બોલાચાલી શરૂ થઈ ગઈ. બોલાચાલી બાદ મામલો વધારે ગંભીર બન્યો અને પિતાએ ઉસ્કેરાટમાં આવી ઘરમાં પડેલી કુલ્હાડી ઉઠાવી દીધી અને પુત્રને ઘા મારી દીધો, જેમાં પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો અને ત્યાં જ ઢળી પડ્યો. તુરંત લોકોએ 108 બોલાવી ઘાયલ પુત્રને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો, અને પિતાની ધરપકડ કરી લીધી છે, હાલમાં તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
આ પણ વાંચો – વાપી તાલુકા ઉપપ્રમુખ ભાજપ નેતા શૈલેષ પટેલની હત્યા, બે બાઈક સવારોએ કારમાં જ ગોળીઓ ચલાવી કરી હત્યા
કેમ પિતાએ પુત્રની હત્યા કરી?
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં પારડી પીઆઈ બી જે સરવૈયાએ જણાવ્યું કે, પિતા પુત્ર વચ્ચે ઝાડ વેંચ્યાના પૈસાની વહેંચણીને લઈ ઝગડો થયો હતો. ઘર આંગણે આવેલા ઝાડ કાપ્યા હતા, જેને વેંચ્યા બાદ 4 લાખ રૂપિયા મળ્યા હતા. પિતા નામદેવભાઈએ મોટા દીકરાને 2 લાખ આપ્યા, ત્યારબાદ નાનો દીકરો નરોત્તમ પણ તેને ઘર બનાવવા માટે પિતા પાસે 2 લાખની માંગણી કરવા લાગ્યો. પિતાએ ના પાડી તેમાં બંને વચ્ચે ઝગડો થયો અને પિતાએ ઉશ્કેરાટમાં આવી કુલ્હાડીથી પુત્ર પર હુમલો થયો જેમાં પુત્રનું મોત થયું છે. પોલીસે આરોપી પિતા નામદેવબાઈની ધરપકડ કરી 302 કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં આરોપીની તબીયત લથડતા તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.