mother wax statue in Ankleshwar: અંકલેશ્વર ખાતે યોજાયેલા એક લગ્નની ચારેબાજુ ઘણી ચર્ચા થઇ રહી છે. બે દીકરીઓના લગ્ન પ્રસંગમાં સ્વર્ગસ્થ માતાની ગેરહાજરી ન વર્તાય તે માટે પિતાએ અનોખો પ્રયાસ કર્યો હતો. દીકરીને આપવામાં આવેલી અનોખી ભેટથી લગ્નપ્રસંગમાં ઉપસ્થિત મહેમાનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. દીકરીઓને લગ્નમાં પોતાની માતાની ગેરહાજરી ના વર્તાય તે માટે આબેહુબ વેક્સ અને સિલિકોનની પ્રતિમા બનાવી લગ્ન પ્રસંગમાં સ્ટેજ ઉપર રાખવામાં આવી હતી.
પિતાએ આપી દીકરીઓને અનોખી ભેટ
અંકલેશ્વરમાં જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલની પત્ની દક્ષાબેનનું બે વર્ષ પહેલા નિધન થયું હતું. તેમની બે પુત્રી દૃષ્ટિ અને સૃષ્ટિના લગ્નનો પ્રસંગ હતો. જેથી પિતાએ પુત્રીઓને લગ્નમાં અનોખી રીતે તેમની માતાની ઉપસ્થિતિ નોંધાવી હતી.
માતા પુત્રીઓ સાથે હોય તેવો આભાસ થાય તે માટે વડોદરા ફાઈન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીની મદદથી પિયુષ પટેલે પોતાની પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોન રિયાલિસ્ટિક મૂર્તિ તૈયાર કરાવી હતી. આ વેક્સની મૂર્તિએ જોઇને એવું જ લાગતું હતું જાણે પુત્રીઓના માતા તેમની સાથે જ ઉપસ્થિત છે.
આ પણ વાંચો – IPS હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળનો વધારાનો ચાર્જ, એપ્રિલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે
મૂર્તિ જોઇ આમંત્રિત મહેમાનો અને પરિવારજનો ભાવુક બની ગયા
સ્વ.દક્ષાબેનની મૂર્તિને પુત્રીઓના લગ્ન સ્થળે સ્ટેજ ઉપર ગિફ્ટ કવરમાં રાખવામાં આવી હતી. જ્યારે તેના પરથી પરદો ઉઠ્યો તો બંને પુત્રીઓની આંખોમાં હર્ષનાં આંસુઓ છલકાઈ ગયા હતા. આ દૃશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા લગ્નમાં હાજર રહેલા સૌ આમંત્રિત મહેમાનો અને પરિવારજનો ભાવુક બની ગયા હતાં.
પુત્રીઓના લગ્ન સ્વર્ગસ્થ માતાની હાજરીમાં કરાયા હતા. આ પછી બન્ને દીકરીઓએ માતાના આશીર્વાદ પણ લીધા હતા. આ પ્રતિમાએ માતા જીવંત હોવાનો અને ખુશીથી લગ્ન પ્રસંગ માણી રહ્યા હોવાનો અનુભવ કરાવ્યો હતો.