Surat Rainfall: મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવી છે, જેમાં પણ સુરતમાં તો મેઘરાજાની એન્ટ્રીથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુરતમાં 22 જૂનની રાતથી વરસાદ શરૂ થયો હતો. સોમવારે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન 5.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન 2 ઇંચ વરસાદ પડ્યો હતો અને બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વહીવટીતંત્રે જવાબદારી સંભાળવાનું શરૂ કરી દીધું છે. સવારથી કુલ 9 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ધોધમાર વરસાદ બાદ સુરતમાં એલપી સવાણી સર્કલ પાસે ટ્યુશન ક્લાસમાં 8 બાળકો ફસાયા હતા. ત્યાં જ સરથાણા ફાયર સ્ટેશન પાસે મારુતિ વાનમાં 5 બાળકો ફસાયા હતા. બચાવ ટીમે તમામ બાળકોને સમયસર સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઘરે મોકલી દેવાયા
સોમવાર સવારથી ભારે વરસાદને કારણે કલેક્ટરે નિર્દેશ આપ્યો હતો કે શાળાઓની પહેલી પાળીના બાળકોને વહેલા ઘરે મોકલવામાં આવે અને બપોરની પાળીના બાળકોને રજા આપવામાં આવે. આ કારણે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: પ્રેમીએ લગ્ન કરી લેતા પ્રેમિકાએ 11 રાજ્યોની પોલીસને બોમ્બની ધમકી આપી દોડાવી
બસ સેવાઓ અને વેપારીઓ પ્રભાવિત
સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી ચાલતી એસટી બસ સેવાઓ હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે. વાહનચાલકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં બસો ન ચલાવવાની સૂચના આપવામાં આવી છે. વરાછા, અડાજણ સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ભોંયરામાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે, જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે.
સુરતના ઘણા રસ્તાઓ બંધ
સુરતમાં ભારે વરસાદને કારણે ઘણા મુખ્ય રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. જોકે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી અને ઋષભ ચાર રસ્તા, ગુજરાત ગેસ સર્કલ, ગલ્લા મંડી જેવા વિસ્તારોના રસ્તાઓ ફરીથી ખોલવામાં આવ્યા છે. રાંદેર ઝોનના અડાજણ પાટિયા, ધનમોર કોમ્પ્લેક્સ, પ્રાઇમ આર્કેડ, મોટા ભાગલ, સુભાષ ગાર્ડન, રાંદેર રોડ, સાંઈ આશિષ શાકભાજી બજાર જેવા વિસ્તારોમાં પાણી દૂર કર્યા પછી રસ્તાઓ ફરીથી ખોલવામાં આવ્યા હતા. કતારગામના સૈયદપુરા, હોદી બંગલા, ગોટાલાવાડી વિસ્તારના રસ્તાઓ પણ ફરીથી ખોલવામાં આવ્યા છે.





