દેશ આખામાં નકલી વસ્તુઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ અવારનવાર નકલી ખાદ્યપદાર્થો અને ભેળસેળવાળો સામાન પકડાતો રહે છે અને તે ચર્ચાનો વિષય પણ બની જાય છે. ત્યારે ગુજરાતનું ઊંઝા શહેર જીરૂ અન વરિયાળી માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે પરંતુ હવે ઊંઝામાં પણ જીરૂ-વરિયાળીમાં મોટાપાયે ભેળસેળ થઈ રહી છે.
ગુજરાતમાં ભેળસેળનો કાળો કારોબાર ફુલ્યોફાલ્યો છે ત્યારે ભ્રષ્ટ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દરોડાના તાયફા કરીને નાટક કરી રહ્યુ છે તેવો ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલે આક્ષેપ કર્યાં છે. ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ ભેળસેળ મુદ્દે સવાલો ઉભા કરી સરકાર સામે આંગળી ચિંધી છે જેના પગલે રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો: સુરતથી બેંગકોકની પ્રથમ ફ્લાઈટમાં જ મુસાફરો બધો દારુ ઢીંચી ગયા, બાયટીંગનો સ્ટોક પણ ખલાસ
રાજ્યમાં નકલી જીરુ અને વરિયાળીનો જથ્થો પકડાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. એટલુ જ નહીં ખાસ કરીને ઊંઝામાં ભેળસેળની પ્રવૃતિ વધી રહી છે. વધતી જતી ભેળસેળની પ્રવૃતિને લઈને હવે ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ લલ્લુભાઇ પટેલે આક્ષેપ કરી રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને આડે હાથે લીધુ છે. તેમનો આરોપ છે કે, ભ્રષ્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાલી દરોડાનું નાટક કરી રહ્યુ છે. અત્યાર સુધી નકલી જીરુ-વરિયાળી સહિતના જથ્થાનો નાશ કરાયો હોય અથવા તો કોઈ ભેળસેળિયો પકડાયો હોય અને તેને સજા થઈ હોય તો જણાવો.
નકલી જીરું કેવી રીતે ઓળખવું
- અસલી અને નકલી જીરુંને ઓળખવા માટે પાણીનો ઉપયોગ કરો
- આ માટે એક વાસણમાં પાણી લો, હવે તેમાં થોડું જીરું ઉમેરો.
- નકલી જીરું થોડા સમય પછી રંગ ગુમાવવાનું શરૂ કરશે.
- નકલી જીરું પાણીના સંપર્કમાં આવતા જ તૂટવા લાગશે.
- જો તમને જીરાની ગંધ ન આવે તો તમે સમજી જશો કે જીરું નકલી છે.





