કચ્છના સફેદ રણ ધોરડો રણ ખાતે જી-20 (G20 2023)ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક યોજાનાર છે. જેમાં ભાગ લેનારા જી-20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિશ્રીઓ તેમજ સહભાગીઓનું ભુજ એરપોર્ટ ખાતે પારંપારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું છે.
ભુજ એરપોર્ટ ખાતે પધારેલા પ્રતિનિધિશ્રીઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પનઘટ ગૃપ દ્વારા જોડિયા પાવા, ઘડો ઘમેલો, સંતાર, મંજીરા, ખંજરી વગેરે કચ્છી લોકવાદ્યો સાથે કચ્છી લોકસંસ્કૃતિની ઝાંખી દર્શાવતા લોકનૃત્યો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

પ્રતિનિધિશ્રીઓએ પણ આ પળે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તૃતિઓને ઉત્સાહભેર માણી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છના રણની આકર્ષક સફેદ રેતી 7થી 9 ફેબ્રુઆરી 2023 દરમિયાન G20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિ મંડળની સાક્ષી બનશે.
પર્યટન મંત્રાલય દ્વારા યોજાઇ રહેલી G20 ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠક કચ્છના ધોરડોમાં યોજાવા જઈ રહી છે.
આ પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા પણ ડેલિગેશન સાથે પધાર્યા હતા. ભુજ એરપોર્ટ ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વ કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, અગ્રણી વલમજીભાઈ હુંબલ, શિતલભાઈ શાહ, જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહીને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.

કચ્છ હવે વિશ્વ ફલક ઉપર પહોંચ્યું છે ત્યારે કચ્છમાં અનેક અવનવા કાર્ય થઈ રહ્યા છે. સરહદી વિસ્તાર કચ્છ આમ તો રણ પ્રદેશ તરીકે ઓળખાય છે પંરતુ કચ્છ પણ હવે દેશ અને વિદેશમાં નામના ધરાવતો થયો છે. ધોળાવીરા હોય કે પછી સફેદ રણ તરીકે ઓળખાતું ધોરડો હોય કચ્છે કોઈ પણ કસર આગળ વધવામાં છોડ્યું નથી.

G-20 કચ્છમાં યોજાઇ રહી છે એ કચ્છની જનતા માટે ગૌરવની વાત છે. જેમ કે આપને બધાને ખબર છે કે ભારતની GDP માં પ્રવાસ ક્ષેત્રનો સૌથી મોટું યોગદાન રહ્યું છે. તો કચ્છના લોકો માટે આ બહુ ખુશીની વાત છે કે G-20 ના માધ્યમથી પ્રવાસના ટ્રેકની પહેલી બેઠક કચ્છમાં થવાની છે. G-20 ની આ બેઠક કચ્છ માટે ગેમ ચેન્જર સાબિત થશે.
જ્યારથી G-20 બેઠક જાહેર થઇ છે ત્યારેથી જે પણ મોટા મોટા પ્રોજેક્ટ છે એ બધાનું કામ તેજ રફતાર સાથે થઇ રહ્યું છે. સફેદ રણમાં ટૂરિઝમ સેક્ટરની બેઠક કચ્છના પ્રવાસ ક્ષેત્રની કામિયાબીની કથાઓને દુનિયાભરમાં પ્રદર્શિત કરવાનો એક અનોખો અવસર આપશે. આ બેઠકથી કચ્છના અનોખા હસ્તકલાકારો જેમ કે રોગન આર્ટ લિપન આર્ટ, મડ વર્ક, મિરર વર્ક વગેરે ને એક અલગ ઓળખ મળશે જે વધુ MSME અને સ્ટાર્ટઅપ્સ લાવશે- અને રોજગારી વધશે.
નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં કેન્દ્ર સરકારે G20ના અધ્યક્ષપદ માટે 990 કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરી છે. કેન્દ્ર સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતના G20 અધ્યક્ષપદ માટે રૂ. 990 કરોડથી વધુની ફાળવણી એ વૈશ્વિક આર્થિક સહયોગ માટેના આ પ્રીમિયર ફોરમને ભારત જે મહત્વ આપે છે તેનો સંકેત છે. હકીકતમાં, ભારતે ડિસેમ્બર 2022માં G20 નું પ્રમુખપદ સંભાળ્યું હતું. તે સપ્ટેમ્બર 2023માં યોજાનારી G20 સમિટ સાથે સમાપ્ત થશે. મહત્વનું છે કે, દેશમાં પ્રથમ વખત આયોજિત આ સમિટને સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય મેળાવડામાં સામેલ કરવાની તૈયારીમાં ભારત વ્યસ્ત છે.