Gandhi Jayanti 2025, Mahatma Gandhi: ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર, 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ દેશભરમાં ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે જાહેર રજા હોય છે અને ઓફિસો બંધ રહે છે. મહાત્મા ગાંધીએ ભારતની સ્વતંત્રતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે અંગ્રેજો સામે લડ્યા હતા અને વિવિધ ચળવળોનું નેતૃત્વ કર્યું હતું, જેના કારણે ભારત બ્રિટિશ શાસનથી મુક્ત થયું હતું. આપણે સૌ ગાંધીજીને ‘મહાત્મા’ અને ‘રાષ્ટ્રપિતા’ તરીકે ઓળખીએ છીએ. આપણે તેમના સત્યાગ્રહ, અહિંસા અને આઝાદીની લડત વિશે ઘણું સાંભળ્યું અને વાંચ્યું છે. પણ શું ક્યારેય આપણે એ વિચાર્યું છે કે એક સામાન્ય મોહનદાસમાંથી ‘મહાત્મા’ બનવાની સફર કેવી રહી હશે?
આ સફર કોઈ એક દિવસમાં પૂરી નથી થઈ. તે નાના-નાના પ્રસંગો, ઊંડા વિચારો અને માનવતાના અદ્ભુત દ્રષ્ટિકોણથી ઘડાઈ હતી. આજે આપણે ગાંધીજીના જીવનનો એક એવો જ નાનકડો પણ અત્યંત પ્રભાવશાળી પ્રસંગ માણીશું, જે આપણને જીવન જીવવાનો એક નવો દ્રષ્ટિકોણ આપી શકે છે. એક એવો પ્રસંગ જે સાબિત કરે છે કે મહાનતા મોટી-મોટી વાતોમાં નહીં, પણ નાના-નાના કાર્યોમાં છુપાયેલી હોય છે.
વાત એ સમયની છે જ્યારે ગાંધીજી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન પ્લેટફોર્મ પરથી ધીમે ધીમે સરકી રહી હતી. ગાંધીજી ભીડની વચ્ચે ટ્રેનના ડબ્બામાં ચઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ધક્કામુક્કીમાં, અચાનક તેમના પગમાંથી એક ચંપલ નીકળીને નીચે પાટા પર પડી ગયું. ગાંધીજીએ પાછળ વળીને જોયું. ચંપલ પગમાંથી છૂટી ગયું હતું અને ટ્રેન હવે ગતિ પકડી રહી હતી. હવે વિચારો, આવી સ્થિતિમાં આપણે શું કરીએ? આપણે અફસોસ કરીએ, બૂમ પાડીએ અથવા ગુસ્સે થઈએ. પણ ગાંધીજીએ જે કર્યું તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા. તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર, શાંતિથી પોતાના બીજા પગનું ચંપલ પણ કાઢ્યું અને તેને પૂરી તાકાતથી પાટા પર પડેલા પહેલા ચંપલની નજીક ફેંકી દીધું.
આ જોઈને તેમની સાથે મુસાફરી કરી રહેલા એક સહયાત્રીએ કુતૂહલવશ પૂછ્યું… “બાપુ, તમે આ શું કર્યું? એક ચંપલ તો ખોવાઈ ગયું હતું, પણ તમે બીજું પણ ફેંકી દીધું? હવે આ જોડી કોઈ કામની ન રહી. ગાંધીજીએ ખૂબ જ સહજતાથી જે જવાબ આપ્યો, તે સદીઓ સુધી માનવતાને પ્રેરણા આપવા માટે પૂરતો છે.
ગાંધીજીએ શાંત અને સ્થિર અવાજે કહ્યું, “ભાઈ, મારું એક ચંપલ ખોવાઈ ગયું હતું. તે એક ચંપલ મારા માટે પણ નકામું હતું અને જે વ્યક્તિને તે મળશે, તેના માટે પણ નકામું જ રહેશે. હવે મેં બીજું ચંપલ પણ ત્યાં જ ફેંકી દીધું છે. તો જે કોઈ ગરીબ ભાઈને આ ચંપલ મળશે, તે આખી જોડી પહેરી શકશે. તેના માટે તે ઉપયોગી બનશે.”
આ પણ વાંચો: ‘જજ વિરુદ્ધ એક પણ નકારાત્મક ટિપ્પણી ફરજિયાત નિવૃત્તિ માટે પૂરતી છે…’, ગુજરાત હાઈકોર્ટ
જોયું તમે? કેટલી નાની ઘટના, પણ વિચાર કેટલો મોટો અને ઊંડો! આ માત્ર એક ચંપલની વાત નથી, આ વાત છે દ્રષ્ટિકોણની. ગાંધીજીએ આપણને શીખવ્યું કે નુકસાનમાં પણ કોઈનો ફાયદો કેવી રીતે શોધી શકાય. જે વસ્તુ આપણા હાથમાંથી જતી રહી છે, તેનો શોક કરવાને બદલે, તે પરિસ્થિતિને પણ કોઈના માટે સકારાત્મક કેવી રીતે બનાવી શકાય, તે આ પ્રસંગ શીખવે છે.
આ પ્રસંગ આપણને ત્રણ મોટી વાતો શીખવે છે:
પહેલી – અપગ્રહ: એટલે કે વસ્તુઓ પ્રત્યે મોહ ન રાખવો. જે ગયું, તેને જવા દો. બીજી – વ્યવહારુ શાણપણ: જે આપણા માટે હવે ઉપયોગી નથી, તેના પર દુઃખી થવા કરતાં કોઈક માટે ઉપયોગી બનાવવાનો વિચાર કરવો. અને ત્રીજી, જે સૌથી મહત્વની છે – પરોપકાર: પોતાના નુકસાનની ક્ષણમાં પણ બીજાના ભલાનો વિચાર કરવો. આ જ તો મહાત્માનું લક્ષણ છે.
આપણે આપણા રોજિંદા જીવનમાં નાની-નાની વસ્તુઓ ગુમાવવા પર, કોઈ તક ચૂકવા પર કલાકો સુધી અફસોસ કરીએ છીએ. પણ જો આપણે ગાંધીજીનો આ દ્રષ્ટિકોણ અપનાવીએ, તો કદાચ આપણું જીવન વધુ શાંતિપૂર્ણ અને સકારાત્મક બની શકે છે. આ જ ગાંધીજીનો જાદુ હતો. તેમણે પોતાના જીવનના દરેક કાર્યથી આપણને કંઈકને કંઈક શીખવ્યું છે. તો ચાલો, આપણે પણ પ્રયત્ન કરીએ કે જીવનની નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ સકારાત્મકતા શોધી શકીએ અને બીજાના ચહેરા પર સ્મિત લાવી શકીએ.