ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રિ દરમિયાન એક ખેડૂતે કથિત રીતે પોતાની કિશોરી પુત્રીને વળગાડ વળગ્યો હોવાની આશંકા સાથે, કથિત રીતે ત્રાસ આપ્યો હતો અને ભુખી-તરસી રાખી હત્યા કરી દીધી, પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, પિતા અને મોટાબાપુજી સામે હત્યાનો ગુનો દાખલ કરીને અટકાયત કરવામાં આવી છે.
વળગાડની આશંકામાં કિશોરીને ભૂખી-તરસી રાખી અત્યાચાર ગુજાર્યો
તાલાલા પોલીસ સ્ટેશનમાં બુધવારે મોડી રાત્રે નોંધાયેલી એફઆઈઆર મુજબ, ગીર જંગલની સરહદે આવેલા તાલાલા તાલુકાના ધવા ગામના ખેડૂત ભાવેશ અકબરી અને તેના મોટા ભાઈએ ભાવેશની 14 વર્ષની પુત્રી ધૈર્યાને દિવસો સુધી ત્રાસ આપ્યો અને ભૂખી-તરસી રાખી, જ્યાં સુધી મરી ના ગઈ. 7 ઓક્ટોબરના રોજ કિશોરીનું મૃત્યુ થયું. છોકરીના નાનાની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી હતી.
તાંત્રિક વિધિમાં સામેલ ત્રીજા શંકાસ્પદની અટકાયત
“ગીર સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ ગુરુવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, આ બંને ભાઈઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને તેમની અટકાયત કરી છે. અમે એક શંકાસ્પદની પણ અટકાયત કરી છે, જે બંને ભાઈઓ સાથે વળગાડ કાઢવા માટે કરેલી વિધિ સાથે સંકળાયેલો હોવાની શંકા. ”.
કેવો અત્યાચાર ગુજાર્યો?
ફરિયાદ અનુસાર, 1 ઓક્ટોબરના રોજ, ભાવેશ અને તેના ભાઈએ કથિત રીતે ધૈર્યાને તેમની ખેતીની જમીન પર તેના કપડા અને અન્ય ચીજવસ્તુઓ સળગાવી તેની બાજુમાં ઉભી રાખી. એફઆઈઆરમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, બે કલાક સુધી ગરમીના સંપર્કને કારણે છોકરીના હાથ અને પગ પર ‘ફોડલા’ પડી ગયા હતા, તેઓએ તેણીને આખી રાત વિવિધ ધાર્મિક વિધિઓ માટે લાકડી અને વાયર વડે પણ માર મારી અત્યાચાર કર્યો હતો.
2 ઑક્ટોબરની સવારે, પિતા અને કાકાએ કથિત રીતે તેના વાળને લાકડીથી બાંધી દીધા, અને પરિવારના શેરડીના ખેતરમાં ખુરશી સાથે બાંધી દીધr, ત્યારબાદ ત્રણ દિવસ સુધી તેણીને પાણી અથવા ભોજન પણ ન આપ્યું, પરંતુ ખેતરમા જઈ તપાસ્યું હતું કે તે જીવે છે કે મરી ગઈ.
મોત બાદ વહેલી સવારે એકાંતમાં અંતિ સંસ્કાર કર્યા
એફઆઈઆર મુજબ, 7 ઓક્ટોબરની સવારે ધૈર્યા મૃત અવસ્થામાં હોવાનું જણાયું, આરોપીઓએ તેના શરીરને પ્લાસ્ટિકની કોથળીમાં ઢાંકી, રજાઇમાં લપેટી અને 8 ઓક્ટોબરના રોજ વહેલી સવારે તેના અંતિમ સંસ્કાર કર્યા. તેઓએ કથિત રીતે નજીકના પરિવારના સભ્યોને કહ્યું કે, તેને ચેપી રોગ થયો હતો અને રોગ ફેલાવાના ડરથી તેના અંતિમ સંસ્કારમાં લોકોની હાજરીમાં કરવા શક્ય ન હતા.
આ પણ વાંચો – સાવધાન! સુરત હાઈવે પર ગાડી પર કીચડ ફેંકી ફિલ્મી ઢબે 55 લાખની લૂંટ, શું છે સમગ્ર ઘટના?
સૂત્રોએ જણાવ્યું કે, ધૈર્યાના માતા-પિતા સુરતમાં રહેતા હતા, ત્યારે ધૈર્યા ધાવા ગામમાં તેના દાદા-દાદી સાથે રહી હતી. ધૈર્યા નવમા ધોરણની વિદ્યાર્થીની હતી, અને તે ભાવેશની એકમાત્ર સંતાન હતી.