Surat Robbery : સુરતમાં ગુનેગારોને પોલીસ (Surat Police) નો જરા પણ ડર ન હોય તેમ લૂંટ, હત્યા, મારા મારી, ચોરી જેવી ઘટનાઓ રોજે-રોજ સામે આવી રહી છે. પોલીસને ચેલેન્જ કરતી વધુ એક ઘટના ડીંડોલી પોલીસ સ્ટેશન (Dindoli Police Station) વિસ્તારમાં બની છે. જેમાં ફિલ્મી ઢબે 55 લાખની લૂંટ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
ફિલ્મી ઢબે 55 લાખની લૂંટ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડીંડોલીથી ચલથાન તરફ જવાના મધુરમ કેનાલના રસ્તા પર મોડી સાંજે લૂંટારૂઓએ ફિલ્મી ઢબે 55 લાખની લૂંટની ઘટનાને અંજામ આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી માહિતી મેળવી લૂટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.
કેવી રીતે લૂંટની ઘટનાને અંજામ આપ્યો?
વિગતે ઘટનાની વાત કરીએ તો, ગત મોડી સાંજે સુરતના વેસુ વિસ્તારમાં રહેતા કાપડના વેપારી પોતાની બ્લેક સ્કોર્પીઓ લઈ ડીંડોલીથી ચલથાન તરફ મધુરમ કેનાલના રસ્તે થઈ હાઈવે પર જઈ રહ્યા હતા તે સમયે એક્ટીવા પર સવાર થઈ બે અજાણ્યાલોકોએ ઓવરટેક કરી અને અચાનક કીચડ તેમની કાર પર નાખ્યો, જેને પગલે વેપારીએ કાર રોકવી પડી, અને કારની બહાર આવ્યા એટલામાં નજર ચૂકવી ગઠીયાઓ કારમાં રહેલી પૈસા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા. તમને જણાવી દઈએ કે, વેપારી વ્યવસાયીક કામ માટે પૈસા લઈ કડોદરા જઈ રહ્યા હતા તે સમયે લૂંટની ઘટના બની હતી.
આ પણ વાંચો – સુરત : ‘…બહેનનો ઘર સંસાર તૂટ્યો’, ભાઈઓ દ્વારા હુમલામાં પ્રેમીના ભાઈનું મોત
પોલીસ અધિકારીઓ દોડતા થયા
ડીસીપી ઝોન 2 ભગીરથ ગઢવીએ ઈન્ડીયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ડીંડોલી પોલીસ સ્ટેશન અધિકારી સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થળ પર વેપારી સાથે તમામ વિગત મેળવતા વેપારી યાનનો વેપાર કરે છે અને કડોદરા વ્યવસાયીક કામ માટે પૈસા લઈને જતા હતા તે સમયે લૂંટની ઘટના બની છે. પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. વેપારી સાથે બનેલી ઘટનાની ગંભીરતાને જોતા પોલીસની અલગ-અલગ ટીમ બનાવી, ઘટના સ્થળ તરફ આવવા જવાના રસ્તા પરના સીસીટીવી ચેક કરવાની કવાયત શરૂ કરવાની સાથે, કોઈ જાણભેદુ છે કે નહી તે દિશામાં પણ લૂંટારૂઓનું પગેરૂ મેળવવા ચક્રોગતિમાન કર્યા છે.