ગુજરાતની નવી ચૂંટાયેલી વિધાનસભા તેના પ્રથમ સત્રમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ભાવનગર પોલીસે ધરપકડ કરી હતી. ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને આ મામલે જાણકારી આપી હતી. જોકે ગણતરીની મિનિટ બાદ ગોપાલ ઈટાલિયાને છોડી મુકાયો હતો.
ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાતની જનતા દ્વારા ભ્રષ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતીવાળી નવી સરકારે કામ કરવાનું ચાલું કરી દીધું છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. કદાચ આ જ માટે બહુમત મળ્યું હશે. ગઈકાલે મારા દાદીનું અવસાન થયું હતું, આખો પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ આ કામ માટે જ બહુમત મળ્યું હશે.
ભાવનગરના પોલીસ અધિક્ષક (SP) રવિન્દ્ર પટેલે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે AAP નેતાની ભાવનગર જિલ્લાની ઉમરાળા પોલીસે તેની સામે IPC કલમ 295-A હેઠળ નોંધાયેલા કેસના સંબંધમાં ધરપકડ કરી હતી. ચૂંટણી પહેલા તેની સામે IPC કલમ 295-A હેઠળ FIR નોંધવામાં આવી હતી. ઉમરાળા પોલીસે આજે તેને સમન્સ પાઠવ્યું હતું. પોલીસ સ્ટેશન ગયા પછી તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ પછી તરત જ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તે જામીનપાત્ર ગુનો હોવાથી, પોલીસ દ્વારા તેને તરત જ જામીન આપવામાં આવ્યા હતા અને મુક્ત કરવામાં આવ્યા હતો.
આ પણ વાંચો – ગુજરાતમાં ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાના બિલમાં શું છે? કેવા બાંધકામ કાયદેસર થશે?
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામના અમિત ડાંગરે (31) નોંધાવેલી ફરિયાદના આધારે ઉમરાળા પોલીસે આ વર્ષે 4 સપ્ટેમ્બરે ઇટાલિયા સામે FIR નોંધી હતી. તેમની ફરિયાદમાં ડાંગરે દાવો કર્યો હતો કે 2 સપ્ટેમ્બરે દ્વારકામાં AAPની જાહેર સભામાં તેમના ભાષણમાં, ઇટાલિયાએ ભગવાન કૃષ્ણની તુલના રાક્ષસો સાથે કરી હતી અને આ રીતે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી.
2 સપ્ટેમ્બરે દ્વારકામાં જાહેર સભામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ભગવાન કૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી બચાવવા અર્જૂનની જેમ આવ્યા છે. ભગવાન કૃષ્ણને રાક્ષસો સાથે સરખાવીને ભગવાન કૃષ્ણનું અપમાન કર્યું હતું. આ બેજવાબદાર નિવેદનથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. એફઆઈઆરમાં ડાંગરે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ઇટાલિયાની ટિપ્પણીથી આહીર સમુદાયની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. જોકે ઇટાલિયાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે તેણે આ પ્રકારનું કશું કહ્યું નથી અને આ તદ્દન બનાવટી આરોપો છે.