AAP Gujarat Gopal Italia Detained News : આમ આદમી પાર્ટીના ગુજરાત કન્વીનર ગોપાલ ઇટાલિયાની ગુરુવારે (13 ઓક્ટોબર) દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. જે બાદ હવે તેને મુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ ગોપાલને સરિતા વિહાર પોલીસ સ્ટેશન લઈ ગઈ. AAPએ દાવો કર્યો હતો કે, ગુજરાતના કન્વીનર ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.
વાયરલ વીડિયોની નોંધ લેતા રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જે બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ પહેલા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. ત્યારથી ભાજપ સતત આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી રહી છે.
ગોપાલ ઈટાલિયા સામે પગલાં લેવા જોઈએ : આ મામલે માહિતી આપતાં NCWના પ્રમુખ રેખા શર્માએ કહ્યું કે, “ગોપાલ ઈટાલિયાએ કોઈ નોટિસ મેળવવાનો ઈન્કાર કર્યો હતો, જો કે તેનો જવાબ તૈયાર છે પરંતુ તેણે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. મેં પોલીસને કહ્યું છે કે, તેમની સામે પગલાં લેવા જોઈએ કારણ કે તેઓ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ પહેલા NCW પ્રમુખ રેખા શર્માએ તેમના કાર્યાલયની બહાર AAP કાર્યકર્તાઓના વિરોધ અંગે ટ્વિટ કર્યું હતું. NCWના AAP ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયાને એક વીડિયોના સંબંધમાં બોલાવ્યા બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વીડિયોમાં તેઓ વડાપ્રધાન માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.
સમર્થકો બળજબરીથી NCW ઑફિસમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે: NCW વડાએ કહ્યું, “તેમનું નિવેદન અને લેખિત નિવેદન મેળ ખાતા નથી. તેણે યોગ્ય જવાબ આપ્યો નથી. મેં પોલીસને એમ પણ કહ્યું છે કે, તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે કારણ કે તે કાયદો અને વ્યવસ્થાને અસર કરે તેવું વાતાવરણ બનાવી રહ્યો હતો. તેમના સમર્થકોએ NCW ઓફિસમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો.”
રેખા શર્માએ કહ્યું, “મારી એક મહત્વપૂર્ણ મીટિંગ બપોરે 2 વાગ્યે હતી જે હવે વિલંબિત થઈ રહી છે કારણ કે હું બહાર નીકળી શકી ન હતી. જો 100-150 લોકો આવીને મને ધમકી આપે તો તેઓ કેવા નેતા છે? તેણે NCW ઓફિસમાં આવીને માત્ર થોડા પ્રશ્નોના જવાબ આપવાના હતા. તેણે શા માટે જૂઠું બોલવું પડ્યું અને તેણે આટલા બધા વકીલો કેમ લાવવા પડ્યા.
આ પણ વાંચો – ગોપાલ ઈટાલિયાને વિવાદ સાથે જૂનો નાતો, નોકરી ગુમાવવાથી લઈ વાયરલ વીડિયો, કેવી રહી રાજકીય સફર?
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી પર વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને દિલ્હીમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવ્યા હતા. જે બાદ AAP કાર્યકર્તાઓના વિરોધ દરમિયાન દિલ્હી પોલીસે ઈટાલિયાની અટકાયત કરી છે.