AAP Gujarat Gopal Italia Detained News : આમ આદમી પાર્ટીના ગુજરાત કન્વીનર ગોપાલ ઇટાલિયાની ગુરુવારે (13 ઓક્ટોબર) દિલ્હી પોલીસે અટકાયત કરી હતી, ત્યારબાદ આપ પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોપાલ ઈટાલિયાએ બીજેપી પર પાટીદારને નફરત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય તેણે એનસીડબલ્યૂ ઓફિસમાં તેની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું અને શું પુછપરછ કરવામાં આવી તે મામલે માહિતી આપી.
ગોપાલ ઈટાલિયાએ બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘આજનો પુરો ઘટનાક્રમ એટલા માટે બન્યો કારણ કે, ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે, અને પુરો પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં ઉભો થયો છે. આ લોકો પાટીદારોને નફરત કરે છે. બીજેપી સરકારે અનામત આંદોલનમાં પાટીદાર યુવાનો પર ગોળી ચલાવી જેમાં 14 યુવાનોના મોત થયા, હજારો લોકો પર જાત-જાતના કેસ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા.’
તેમણે વધુમા કહ્યું કે, આજે દેશમાં Undemocratic કામ થઈ રહ્યું છે, જેને રોકવા માટે અમે લડાઈ લડી રહ્યા છીએ તેથી બીજેપીને પરેશાની થઈ રહી છે. અમે કંસની ઔલાદોથી ડરવાના નથી, અમે સરદાર પટેલના વંશજ છીએ. અમે આ લડાઈને અંજામ સુધી પહોંચાડીને જ રહીશુ.
આ પણ વાંચો – ગોપાલ ઈટાલિયાને વિવાદ સાથે જૂનો નાતો, નોકરી ગુમાવવાથી લઈ વાયરલ વીડિયો, કેવી રહી રાજકીય સફર?
ગોપાલ ઈટાલિયાએ NCWના પ્રમુખ રેખા શર્મા પર આક્ષેપ કરતા કહ્યું કે, ‘મને નોટિસ મળી નથી તેમાં શું લખ્યું છે તે પણ મને ખબર નથી, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા માલુમ થયું જેથી હું એનસીડબલ્યૂની ઓફિસે પહોંચ્યો પરંતુ અહીં પહોંચતા જ મને વકીલને સાથે લઈ જતા રોકવામાં આવ્યો, ત્યારબાદ ચેરમેનની ઓફિસમાં લઈ જવામાં આવ્યો જ્યાં અંદર જતા જ ખુરશીમાં બેઠેલા મેડમે ‘તૂમ બત્તમીજ હો, તેરી ક્યા ઓકાદ છે’ કહી બે મિનીટ સુધી કેટલીએ ગાળો બોલી અને ધમકાવ્યો, ત્યારબાદ પોલીસના હવાલે કરી દીધો. મારો કોઈ જવાબ પણ ન લીધો, તેમને નોટિસના જવાબમાં કોઈ ઈન્ટરસ્ટ હતો નહીં.’
ગોપાલ ઈટાલિયાએ પોલીસ પુછપરછ અંગે વાત કરતા કહ્યું કે, ‘પોલીસે પણ મને વધુ કઈં પુછ્યું નથી, પોલીસે મને કહ્યું કેમ આટલા તાકાતવર લોકો સામે લડે છે. આ બધુ બંધ કરી દે, મે તેમને કહ્યું કે, તમને જે આદેશ મળ્યો હોય તે કાર્યવાહી કરો, અને મને મારૂ કામ કરવાદો. હું પાટીદાર સમાજ માટે અને બેઈમાનો વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છુ. મને ગોળી મારી દો કે, ફાંસી પર ચઢાવી દો હું ડરવાનો નથી.’
ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઈટાલીયાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ પીએમ મોદી પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા જોવા મળી રહ્યા છે. આ મામલે NCW પ્રમુખ રેખા શર્મા દ્વારા તેમને નોટિસ મોકલવાની વાત કરી હતી, અને ગોપાલ ઈટાલિયાએ કોઈ નોટિસ મેળવવાનો ઈન્કાર કર્યો હતો, જો કે તેનો જવાબ તૈયાર છે પરંતુ તેણે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. મેં પોલીસને કહ્યું છે કે, તેમની સામે પગલાં લેવા જોઈએ કારણ કે તેઓ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.