GPSSB Junior Clerk Exam : ગુજરાતમાં 29 જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. પેપરલીક કાંડમાં પકડાયેલા 15 આરોપીઓને વડોદરા કોર્ટમાં રજુ કરાયા હતા. ATS દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં નવા ખુલાસા સામે આવી શકે છે.
ગુજરાત એટીએસની તપાસ પ્રમાણે હૈદરાબાદની કે.એલ હાઇટેક પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. આ પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો આરોપી શ્રધાકર લુહાનાએ પેપર મેળવી સાત લાખ રૂપિયામાં પ્રદીપ કુમારને આપ્યું હતું. આ પ્રશ્નપત્ર પ્રદીપ કુમારે મુરારી પાસવાન અને નરેશ મોહંતીને એક પેપર દીઠ પાંચ લાખ રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું હતું. મુરારી પાસવાને કમલેશ ભીખારીને એક પ્રશ્નપત્ર દીઠ છ લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. કમલેશ ભીખારીએ મોહમ્મદ ફિરોજને એક પ્રશ્નપત્ર દીઠ સાત લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. આ પછી પ્રશ્નપત્ર સર્વેશ, પ્રભાત કુમાર, મુકેશ, મિન્ટુ, ભાસ્કર ચૌધરી, કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, ચિરાયુ અને ઇમરાન સુધી પશ્નપત્ર પહોંચ્યું હતું. જે 7 થી 12 લાખ રૂપિયામાં વેચવાના હતા.
છેલ્લા એક દાયકામાં ડઝનથી વધારે પેપર લીકની ઘટનાઓ ઘટી
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીકની ઘટનાએ હવે કઇ નવી વાત નથી. વર્ષ 2014થી દર વર્ષે કોઇને કોઇને સરકારી નોકરીની પરીક્ષાના પેપર લીક ઘટવાની ઘટના ઘટી રહી છે. વર્ષ 2014થી લગભગ વિવિધ 14 સરકારી પરીક્ષાઓમાં ‘પેપર લીક કાંડ’ થયા છે. વર્ષ 2014થી પેપર લીક અને પરીક્ષા રદ થવાની ઘટનાઓ પર એક નજર.
- 2014માં જીપીએસસી ચીફ ઓફિસરની પરીક્ષા
- 2015માં તલાટીની પરીક્ષા
- 2016માં મુખ્ય સેવિકા પેપર લીક
- 2016માં જિલ્લા પંચાયત તલાટી પરીક્ષા
- 2018માં તલાટીનું પેપર લીક
- 2018માં ટાટનું પેપર લીક
- 2018માં નાયબ ચીટનીસ પેપર લીક
- 2018માં વન રક્ષક પેપર કેન્સલ
- 2018માં કોન્સ્ટેબલ પેપર લીક
- 2019માં બિન સચિવાલય ક્લાર્ક પેપર લીક
- 2021માં સબ ઓડિટર લીક
- 2021માં હેડ ક્લાર્ક પેપર લીક
- 2021માં DGVCL વિદ્યુત સહાયક
- 2022માં વન રક્ષકનું પેપર લીક
- 2023માં જુનિયર ક્લાર્કનું પેપર લીક

આ પણ વાંચો – ગુજરાત જુનિયર ક્લાર્ક પેપર લીકના આરોપીની કરમ કુંડળી, જાણો કોણ છે ભાસ્કર ચૌધરી?
પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના મતે આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.
ઉમેદવારો એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે
મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસટીબસમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે.