ગુજરાતમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. ગુજરાતમાં દૈનિક નવા કોવિડ સંક્રમણના કેસોની સંખ્યા 400ને વટાવી ગઇ છે. સતત વધી રહેલા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ – ગુરુવારે 417 નવા કેસ
ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા દૈનિક કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં 13 એપ્રિલ, 2023ના રોજ સમાપ્ત થયેલા 24 કલાકમાં કોરોના વાયરસના 417 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 2087 થઇ છે. હાલ કોરોના સંક્રમિત 3 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત 322 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કોવિડ-19ના વાયરસથી ચેપ મુક્ત થનાર દર્દીઓની કુલ સંખ્યા 1273152 થઇ છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ 98.98 છે. સદનસીબે ગુરુવારે કોરોના સંક્રમિત એક પણ દર્દીનુ મોત થયું નથી.
ગુરુવારે સાંજે સમાપ્ત થયેલા 24 કલાકમાં રાજયમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 137, મહેસાણામાં 46, વડોદરા શહેરમાં 29, સુરત શહેરમાં 28 નોંધાયા છે.
આ પણ વાંચોઃ ભારતમાં ફરી કોરોના વાયરસનો કહેર – દિલ્હીથી મુંબઈ સુધી કોરોનાએ મચાવ્યો હાહાકાર
દેશમાં કોરોના સંક્રમણના દૈનિક કેસો 10000ને પાર
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે. આ સાથે જ કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો 45 હજારની નજીક પહોંચ્યો છે.