આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં સરસપુર, અમદાવાદ ખાતે રોડ શો યોજાયો હતો. આ રોડ શો માં સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અને પૂર્વ ક્રિકેટર અને સાંસદ હરભજનસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મને એક મહિલા મળ્યા હતા મેં તેમને પૂછ્યું કે કોને વોટ આપશો તો કહ્યું તે સર તમને. મેં કહ્યું કેમ તો મહિલાએ કહ્યું કે તમે 1000 રૂપિયા મહિને આપશો. આમ આદમી પાર્ટીને વોટ આપવો ઘણો ફાયદો છે. મહિને 30 હજાર રૂપિયાનો ફાયદો છે. ભાજપાને વોટ આપવાથી કશું ફાયદો નથી. તેમાં ગુંડાગર્દી મળશે, ગાળો મળશે, બીજુ કશું મળશે નહીં. આ ચૂંટણી તમારું ભવિષ્ય બનાવી શકે છે. આ ચૂંટણી ગુજરાતનું ભવિષ્ય બદલી શકે છે.
કેજરીવાલે કહ્યું – ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે
કેજરીવાલે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે. અત્યાર સુધી ગુજરાત પાસે કોઈ વિકલ્પ ન હતો. પરંતુ આ વખતે ભગવાને સક્ષમ વિકલ્પ મોકલ્યો છે. ઉપરવાળાએ પોતાનું ઝાડુ ચલાવ્યું છે. ઉપરવાળાનો ઇશારો સમજો અને બધા મળીને પોતાના માટે, પોતાના પરિવાર માટે ઝાડુનું બટન દબાવજો.
આ પણ વાંચો – ભાજપ કે કોંગ્રેસ, વધુ મતદાનથી કોને ફાયદો? જાણો રસપ્રદ પરિણામ

કેજરીવાલે કહ્યું કે હું બધા બેરોજગાર ભાઈઓને કહેવા માંગુ છું કે તમે જ્યારે પણ પેપર આપવા જાઓ છો ત્યારે પેપર ફૂટી જાય છે. કારણ કે એ દરેક લોકો પેપર વેચવામાં સામેલ છે. પરંતુ જ્યારે અમારી સરકાર બનશે ત્યારે એક પણ પેપર ફૂટવા નહીં દઈએ. 1 વર્ષમાં તમામ સરકારી ભરતી પૂર્ણ કરીશું. તમારા માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગારની વ્યવસ્થા નહીં થાય, ત્યાં સુધી દરેક બેરોજગારને દર મહિને ₹3000 બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
8 ડિસેમ્બરે બપોર સુધીમાં ગુજરાતમાં ચમત્કાર થઈ ગયો હશે: ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રોડ શોમાં ઉપસ્થિત હજારો લોકોને સંબોધતા કહ્યું કે, 8મી ડિસેમ્બરે બપોર સુધીમાં ગુજરાતમાં ચમત્કાર થઈ ગયો હશે. બપોર સુધીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ગઈ હશે. 27 વર્ષથી ગુજરાતમાં નેતાઓ જીતી જતા હતા અને જનતા હારી જતી હતી. પરંતુ આ વખતે 8મી ડિસેમ્બરે જનતા જીતી જશે અને મોટા મોટા નેતાઓ હારી જશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં શાળાઓ બનાવશે, વીજળી મફત કરશે, સૌનો વ્યવસાય વધશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં પેપર લીક નહીં થાય. જે લોકો મેરિટમાં આવશે એમને નોકરી મળશે. પંજાબમાં અમારી સરકારે 8 મહિનામાં 20557 યુવાનોને નોકરીઓ આપી છે. અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં 12 લાખ યુવાનોને રોજગારી આપી છે.