ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પ્રથમ તબક્કા માટે 19 જિલ્લાની 89 બેઠકો માટે ગુરુવારે મતદાન શાંતિભર્યા માહોલ વચ્ચે પૂર્ણ થયું છે. ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન અંદાજીત સરેરાશ મતદાન 59 ટકા જેટલું થયું છે. જો કે મતદાન દરમિયાન કેટલાંક વોટિંગ બૂથો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં ખામી સર્જાઇ હોવાની ફરિયાદ મળી છે.
50 EVMમાં ખામી અંગે ચૂંટણીપંચને કોંગ્રેસની ફરિયાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. કોંગ્રેસે લગભગ 50 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં ખામી સર્જાવાની અને તેને સમયસર બદલવામાં આવ્યા ન હોવાની ભારતીય ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કોંગ્રેસે એવી પણ ફરિયાદ કરી હતી કે મતદાન અંગે રિપોર્ટિંગ કરતી ટીવી ચેનલો પક્ષપાત ભર્યું કવરેજ કરી રહી છે.

કોંગ્રેસના ગુજરાત પ્રભારી આલોક શર્માએ કહ્યું કે, જામનગર અને રાજકોટના કેટલાંક મતદાન મથકો પર EVMમાં ખામી જોવા મળી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓએ આવા ખામીવાળા ઇવીએમ મશીનો બદલવામાં એક કલાક જેટલો સમય લીધો હતો.
ટીવી ચેનલો પર પક્ષપાત ભર્યો કવરેજ કરવાનો આક્ષેપ
કોંગ્રેસ નેતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટીવી ચેનલોએ ભાજપના નેતાઓને કવરેજ આપીને પક્ષપાત ભર્યુ વલણ અપનાવ્યુ છે. તેમણે કહ્યું, “મતદાન અંગે રિપોર્ટિંગ કરતી ઘણી ટીવી ચેનલો ભાજપના નેતાઓને પક્ષપાત ભર્યું કવરેજ આપી રહી છે… જાણે ભાજપ માટે પ્રચાર કરી રહી હોય…મતદારોને… પ્રભાવિત કરવા…. આ સ્પષ્ટપણે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. જોકે, ચૂંટણી પંચ અને ભાજપે હજુ સુધી તેમની ટિપ્પણી પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

કતારગામમાં મતદાન જાણી જોઈને ધીમા થઈ રહ્યું છે - આપ પાર્ટી
તો બપોરે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાતના કતારગામ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન જાણી જોઈને ધીમુ કરવામાં આવ્યું હતું અને તેના માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 59 ટકા મતદાન, જાણો ક્યાં કેટલી વોટિંગથયુ
ગુજરાતના આપ પાર્ટીના નેતાએ ટ્વિટરમાં લખ્યું કે, “કતારગામ વિધાનસભા બેઠક પર મતદાન જાણી જોઈને ધીમા થઈ રહ્યું છે… સમગ્ર રાજ્યમાં સરેરાશ 3.5% મતદાન થયું છે, પરંતુ કતારગામમાં માત્ર 1.41% મતદાન થયું છે.” ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી પંચ પર પણ પ્રહારો કર્યા અને તેની સ્વાયત્તતા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, જો તમારે (ECI) માત્ર ભાજપના ગુંડાઓના દબાણમાં કામ કરવાનું હોય તો તમે ચૂંટણી કેમ કરાવો છો?