ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તમામ પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સાથે જ ગુજરાત ચૂંટણી પહેલા ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે. બંને નેતાઓએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપને 150થી વધુ બેઠકો મળશે અને ભાજપ 139 બેઠકો જીતવાનો રેકોર્ડ તોડશે. હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતની સાત કરોડ જનતાને ભાજપમાં વિશ્વાસ છે.
ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં ભાજપ 150થી વધુ બેઠકો જીતશે. “અમે આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખીશું અને પાર્ટી 150 થી વધુ સીટો જીતશે. રેકોર્ડ તોડવા માટે બને છે અને અમારો અગાઉનો 139 સીટોનો રેકોર્ડ આ વખતે તૂટશે. ભાજપે લોકો માટે કામ કર્યું છે અને અમારા પ્રશ્નો પણ ઉકેલાયા છે. તેથી વિરોધ કરવાનું કોઈ કારણ નથી.”
આ સાથે જ વિપક્ષ દ્વારા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સામેનો કેસ પાછો ખેંચવાના સવાલ પર બંને નેતાઓએ કહ્યું કે, અમને ભાજપમાં જોડાએ આટલા દિવસો થઈ ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ કેસ પાછો ખેંચાયો નથી. હાર્દિક પટેલે કહ્યું કે, અમારી સામે હજુ પણ ઘણા જૂના કેસ ચાલી રહ્યા છે. સાથે જ અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મારી સામે પણ હવે 10 વર્ષ જૂનો કેસ ચાલી રહ્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે, રાજકારણમાં કેસ થાય છે અને કેસ ન થાય તો જનતા પૂછે છે કે તમે શું કર્યું?
પાટીદાર આંદોલન અને તેના મુદ્દાઓ અંગે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, અમે આંદોલન કર્યું અને લોકોએ તેના વખાણ કર્યા. તેમણે કહ્યું કે બાદમાં ભાજપ સરકારે 10% EWS અનામત આપી. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, રાજ્ય સરકાર 1000 કરોડ રૂપિયાની યુવા સ્વાવિલંબન યોજના લઈને આવી છે, જેના દ્વારા રાજ્યના બાળકોને વિદેશમાં અભ્યાસ માટે 15 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. જ્યારે અમારા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે, તો પછી વિરોધ કરવાનો શું અધિકાર છે?
આ પણ વાંચો – હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટી વેરવિખેર, 2017માં ભાજપની વિરુદ્ધ હતા
બીજી તરફ આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોઈપણ નેતાને ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ જ્યારે તે બોલે છે કે કેટલા લાખ લોકોએ મતદાન કર્યું તો સવાલ થાય છે. હાર્દિક પટેલે કહ્યું કે જે પ્રકારની વાતો અરવિંદ કેજરીવાલે આંદોલન દરમિયાન કહી હતી, પંજાબની ચૂંટણી વખતે કરી હતી, પરંતુ કેટલું કામ થયું? ગુજરાતની જનતાને મફતમાં કંઈ જોઈતું નથી.