Isudan Gadhvi AAP CM Candidate: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી-2022 માટે આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ઉમેદવાર જાહેર કર્યા છે. આપ પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા માટે એક સર્વે કરાયો હતો. જેમાં ઇસુદાન ગઢવીને સૌથી વધારે મત મળ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે આ જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે અમારી પાસે 16,48,500 ની આસપાસ રિસ્પોન્સ આવ્યા હતા. જેમાં 73 ટકાએ ઇસુદાન ગઢવીનું નામ લીધું છે.
ઈસુદાનના પત્ની હિરલ ગઢવીએ કહ્યું હતું કે મંચ પર બસેલા બધા મહાનુભાવોને પ્રણામ. જ્યારે ઈસુદાનજીને આટલી મોટી તક આપી છે ગુજરાતવાસીઓએ ત્યારે બધાનો દિલથી આભાર માનું છું. માં મોગલ અને દ્વારકાધીશ એમને આ સપનું પુરુ કરવાના આશીર્વાદ આપે.
ઇસુદાન ગઢવીએ માતાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા
AAPના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર થતાં જ ઈસુદાન ગઢવીએ હોલમાં ઉપસ્થિત પોતાની માતાના ચરણસ્પર્શ કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. આ સમયે હોલમાં ઈસુદાનના પત્ની હિરલ ગઢવી ઉપરાંત તેમના પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો – ઈસુદાન ગઢવી બન્યા આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર, કેજરીવાલે કરી જાહેરાત
ઇસુદાન ગઢવીએ શું કહ્યું
ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે રાજનીતિની આખી તાસીર બદલી નાંખી. તેમણે આટલી મોટી જવાબદારીનો અહેસાસ કરાવ્યો છે. મારે બીજુ કશું નથી જોઈતું પણ ઈશ્વરને પ્રાર્થના છે કે ગુજરાતીઓ માટે કંઈક કરૂ. હું કર્મના સિદ્ધાંતમાં માનવા વાળો વ્યક્તિ છું. મેં ખેડૂતો અને બેરોજગારના અવાજ બનવાની કોશિશ કરી. પરંતુ એક લક્ષ્મણ રેખા હોય કે હું ન્યુઝ ચલાવી શકું પરંતુ કરી નથી શકતો. હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું.