Isudan Gadhvi AAP CM Candidate – ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તૈયારીમાં લાગી ગઇ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ઉમેદવાર જાહેર કર્યો છે. આપ પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા માટે એક સર્વે કરાયો હતો. જેમાં ઇસુદાન ગઢવીને સૌથી વધારે મત મળ્યા છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે આ જાહેરાત કરી હતી.
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કરીને ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા હાજર હતા. કેજરીવાલે કહ્યું કે અમારી પાસે 16,48,500 ની આસપાસ રિસ્પોન્સ આવ્યા હતા. જેમાં 73 ટકાએ ઇસુદાન ગઢવીનું નામ લીધું છે.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણીના આંકડા પર એક નજર, 100 વર્ષથી વધુ વયના 10,460 મતદાતા
16.5 લાખ લોકોએ રિસ્પોન્સ આપ્યો
આમ આદમી પાર્ટી એક સપ્તાહ પહેલા પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓને ઇ-મેઇલ, ફોન કોલ, એસએમએસ અને વોટ્સએપ દ્વારા મેસેજ કરી ગુજરાતનના મુખ્યમંત્રીના ઉમેદવારની પસંદગી કરવા કહ્યું હતું. કેજરીવાલે જણાવ્યું કે જે નંબર જાહેર કરવામાં આવ્યા હતા તેના પર લગભગ 16.5 લાખ લોકોએ રિસ્પોન્સ આપ્યો છે.
ગુજરાત પરિવર્તન ઇચ્છી રહ્યું છે : કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે ગુજરાતના ઈતિહાસ માટે સૌથી મહત્વનો દિવસ છે. 27 વર્ષ સુધી લોકો પાસે કોઈ વિકલ્પ ન હોતો. ત્યારે આજે ગુજરાત પરિવર્તન ઇચ્છી રહ્યું છે. આજે લોકોને એક નવો વિકલ્પ મળ્યો છે. અમે રૂમમાં બેસીને નક્કી નથી કરતા કે મુખ્યમંત્રી કોણ હશે. પંજાબની જનતાએ CM ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ત્યારે ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અમે જ્યારે સર્વે કર્યો તેમાં 16.48 લાખ લોકોએ મત આપ્યો. જેમાંથી ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે.
ઇસુદાન ગઢવીએ શું કહ્યું
ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે રાજનીતિની આખી તાસીર બદલી નાંખી. તેમણે આટલી મોટી જવાબદારીનો અહેસાસ કરાવ્યો છે. મારે બીજુ કશું નથી જોઈતું પણ ઈશ્વરને પ્રાર્થના છે કે ગુજરાતીઓ માટે કંઈક કરૂ. હું કર્મના સિદ્ધાંતમાં માનવા વાળો વ્યક્તિ છું. મેં ખેડૂતો અને બેરોજગારના અવાજ બનવાની કોશિશ કરી. પરંતુ એક લક્ષ્મણ રેખા હોય કે હું ન્યુઝ ચલાવી શકું પરંતુ કરી નથી શકતો. હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે.