Isudan Gadhvi :આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. મુખ્યમંત્રીનો ચહેરો બનતા જ તેમણે ઘણા વાયદા કર્યા છે. તેમનું કહેવું છે કે તે મુખ્યમંત્રી બન્યા પછી ખેડૂતોના દેવા માફી, પાકની વ્યાજબી કિંમતો, વીજળી અને સિંચાઇ પર સૌથી પહેલું કામ કરશે.
ઇસુદાન ગઢવીએ કહ્યું કે હું ખેડૂતનો પુત્ર છું. મેં ખેડૂતોની મુશ્કેલી જોઈ છે. સૌથી પહેલા તો ખેડૂતોના વન ટાઇમ દેવા માફ કરવામાં આવશે. આ પછી ખેડૂતોને ત્રણ વસ્તુઓની સૌથી વધારે જરૂર છે. એક તો ભાવ મળવા જોઈએ, તેમને દિવસમાં 12 કલાક વીજળી જોઈએ અને ત્રીજુ દોઢ વર્ષની અંદર સિંચાઇની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવીશું.
ઈશુદાન ગઢવીએ ભ્રષ્ટાચારને ખતમ કરવાનો પણ વાયદો કર્યો છે અને કહ્યું કે જો આપ સરકારનો કોઇ મંત્રી તેમાં સંડોવણી ખુલે તો કાર્યવાહી કરવામાં આવશે અને તે પણ જેલ જશે. આ માટે એક નંબર જાહેર કરવામાં આવશે. ભાજપા અને કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે પણ વીજળી ફ્રી કરીશું.
આ પણ વાંચો – ઇસુદાન ગઢવી બન્યા આપના સીએમ ઉમેદવાર, જાણો તેમની પત્નીએ શું કહ્યું
તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીને વોટ કરશો તો તમારી પત્નીઓને લાઇટના બીલ ભરવા પડશે નહીં. અમે ભરીશું, આ અરવિંદ કેજરીવાલનો વાયદો છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે મહિલાઓને હજાર રૂપિયા સન્માન રાશિ અને ત્રણ હજાર બેરોજગારને ભથ્થાની વાત છે. નવેમ્બર સુધી બધી સરકારી કચેરીમાં જે જગ્યા ખાલી છે તેને ભરવામાં આવશે. 18 હજાર ગામમાં મોહલ્લા ક્લિનિક બનાવવાના છે, સારી સ્કૂલ બનાવવાની છે. ગામડાનો દરેક બાળક અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરી શકશે અને તે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશે.
તેમણે કહ્યું કે ગુજરાતની જનતાને વિનંતી છે કે 27 વર્ષ ભાજપાને આપ્યા, 32 વર્ષ કોંગ્રેસને આપ્યા. એક વખત આમ આદમી પાર્ટીને તક આપો.