ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ વખત ઓછા મતદાનની પરિણામો પર કેવી અસર થશે તેની અટકળો શરૂ થઇ ગઇ છે. ચૂંટણી પંચના આંકડા મુજબ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 60 ટકાથી વધારે મતદાન થયુ છે. જો લિંગના આધારે વિશ્લેષ્ણ કરીયે તો આ વખતે પુરુષોની તુલનાએ મહિલા મતદારોએ ઓછું વોટિંગ કર્યુ છે.
ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આંકડા જાહેર કર્યા છે. જે અનુસાર 1લી ડિસેમ્બર 2022, ગુરુવારના રોજ થયેલા વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 60.75 ટકા મહિલાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જ્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં આ ટકાવારી 64.33 ટકા હતી. આમ આ વખતે મહિલાઓના મતદાનની ટકાવારી 3.58 ટકા ઘટી છે. જો પુરુષ મતદાતાઓની વાત કરીયે તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 69.04 ટકા પુરુષોએ મતદાન કર્યુ હતુ જેની સામ વર્ષ 2022માં 65.09 ટકા પુરુષોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ પુરષોનું મતદાન પર 3.35 ટકા ઘટ્યુ છે. જો કે પુરુષોની તુલનાએ મહિલાઓનું મતદાન વધારે ઘટ્યુ છે.
ક્યાં મહિલાઓએ સૌથી ઓછું મતદાન કર્યુ
ચૂંટણીપંચના આંકડા અનુસાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 60.75 ટકા મહિલાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મહિલાઓના સૌથી ઓછા મતદાનની વાત કરીયે તો કચ્છ જિલ્લાના ગાંધીધામમાં 45.59 ટકા, બોટાદ જિલ્લાના ગઢડામાં 47.55 ટકા, અમરેલી જિલ્લાના ધારીમાં 48.71 ટકા અને સુરતના કરંજમાં 48.89 ટકામાં મહિલા મતદારો નોંધાયું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 89 બેઠકો પૈકી માત્ર પુરૂષો કરતાં વધુ મહિલા મતદારો ધરાવતી બેઠકો – દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડા, માંડવી, મહુવા, વ્યારા, નિઝર, વાંસદા અને ધરમપુરના આદિવાસી મતવિસ્તારોમાં સૌથી વધુ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. જોકે અહીંયા પણ કુલ મતદાનમાં મહિલાઓ કરતાં પુરુષનું મતદાન વધારે હતું. નર્મદા જિલ્લાની દેડિયાપાડા બેઠકમાં સૌથી વધુ 82.71 ટકા મતદાન નોંધાયું હતું, જ્યાં 83.89 ટકા પુરુષોની સામે 81.53 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું.
પ્રથમ તબક્કામાં 63.31 ટકા મતદારોએ મતદાન કર્યું
પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર 63.31 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. કુલ 2,39,76,670 મતદારો પૈકી 1,51,78,862 મતદારોએ તેમના મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો, જેમાં 81,66,905 પુરૂષો અને 70,11,795 મહિલાઓએ વોટિંગ કર્યુ હતુ, ટકાવારીની રીતે 65.69 ટકા પુરૂષો અને 60.75 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું.
ભાજપના એક નેતાએ મહિલાઓના મતદાનમાં ઘટાડા માટે 1લી ડિસેમ્બરના લગ્નપ્રસંગોને જવાબદાર ગણાવ્યા હતા. તેમના મતે 1લી ડિસેમ્બર લગ્નપ્રસંગો વધારે હોવાથી મોટી સંખ્યામાં મહિલા મતદારોએ મતદાન કર્યુ ન હતુ. સુરેન્દ્રનગરના ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જેઓ પ્રથમ તબક્કામાં મતદાન કરવા ગયા હતા, તેમણે ધી ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આ વખતે 1 ડિસેમ્બરે મહિલાઓના ઓછા મતદાન માટે લગ્નપ્રસંગો મુખ્ય કારણ છે. આપણે બધા જાણીએ છીએ કે લગ્નપ્રસંગોમાં કેટલું બધુ કામકાજ હોય છે. કેટલાંક એવા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે જ્યાં ગામડાઓમાં 70 ટકાથી વધુ લોકો લગ્નપ્રસંગોમાં જવા માટે નીકળી ગયા હતા.

દોશીએ ઉમેર્યું, “બીજું કારણ એ છે કે જ્યારે મતની માંગણી કરવામાં આવે છે ત્યારે મહિલા મતદારોને પુરૂષો કરતાં ઓછું સન્માન મળે છે. આપણે મત માટે પુરુષ સામે હાથ જોડી શકીએ પણ સ્ત્રી સામે નહીં. હજી પણ મહિલાઓ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પુરૂષ ઉમેદવારો માટે પણ મહિલાઓ પાસેથી મત છે.
મહિલાને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપવા માટે ચૂંટણી પંચ દ્વારા ‘પિંક બૂથ’ તરીકે ઓળખાતા માત્ર મહિલાઓ માટેના મતદાન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.