ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના ચૂંટણી પ્રચારના પડધમ શાંત થઇ ગયા છે અને હવે 5 ડિસેમ્બર, 2022 સોમવારના રોજ મતદાન યોજાશે. બીજા તબકકામાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે. બીજા તબક્કાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપા પાર્ટી સહિત 833 ઉમેદવારો મેદાનમાં છે.
બીજા તબક્કામાં CM સહિત ઘણા દિગ્ગજોનું રાજકીય ભવિષ્ય નક્કી થશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં ઘણા મહત્વના ઉમેદવારોનું રાજકીય નેતાઓનું ભવિષ્ય EVMમાં બંધ થશે. બીજા તબક્કામાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા), પાટીદાર નેતા હાર્દિક પટેલ (વિરમગામ) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના નેતા અલ્પેશ ઠાકોર (ગાંધીનગર દક્ષિણ) જેવા અગ્રણી ઉમેદવારો મેદાનમાં છે.

બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં 1લી ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં સરેરાશ 63.31 ટકા મતદાન થયું હતું, જે ગત વિધાનસભાની ચૂંટણી કરતાં ઓછું હતું. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી વચ્ચે હોવાનું માનવામાં આવે છે.
હવે વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન સોમવાર 5 ડિસેમ્બર 2022ના રોજ યોજાશે. આ બીજા તબક્કામાં બાકીની 93 બેઠકો પર વોટિંગ થશે જે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં ફેલાયેલી છે. આ વિધાનસભા ક્ષેત્રોમાં 2.54 કરોડ નોંધાયેલા મતદારો છે. સોમવારે કુલ 26,409 મતદાન મથકો પર મતદાન યોજાશે અને લગભગ 36,000 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 69 મહિલાઓ
બીજા તબક્કામાં અનેક નેતાઓનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગેલુ છે. જેમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા અને યુવા નેતા હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તો ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે બીજા તબક્કા માટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ હાલ કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 69 મહિલાઓ અને 764 પુરૂષ ઉમેદવારો છે.

ભાજપ અને આપ પાર્ટીનો ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન હજી બાકી છે ત્યારે ભાજપ અને આપ પાર્ટીએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય જંગ છે. શનિવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાતને કોંગ્રેસથી મુક્ત કરવા લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આનાથી તમામ સમસ્યાઓ હલ થઈ જશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના 3 મહત્વના સમાચાર ગુજરાતની ચૂંટણીમાં ઓછા મતદાનથી કોને ફાયદો? જાણો રસપ્રદ પરિણામ ઉત્તર ગુજરાતમાં મતદારો આકરા પાણીએ, ભાજપ અને કોંગ્રેસનું મપાશે પાણી ગુજરાતના વિકાસ માટે મળેલા 25 ટકા પૈસા ખર્ચ ન કરી શક્યા ધારાસભ્યો
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, નિયમ અનુસાર બીજા તબક્કાના મતદાનના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર શનિવારે સાંજે 5 વાગ્યે બંધ થઈ ગયું હતું. હવે કોઈ પણ અનધિકૃત બહારની વ્યક્તિ મતદાન વિસ્તારોમાં રહેશે નહીં. હવે તમામ ઉમેદવારોએ મતદારોને રીઝવવા ડોર ટુ ડોર સંપર્ક શરૂ કર્યો છે. 5 ડિસેમ્બરે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.