Gujarat Assembly Election 2022 : પીએમ નરેન્દ્ર મોદીએ વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મારા માટે તો, ‘A’ ફોર આદિવાસી. મારા માટે સૌભાગ્યની પળ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશીર્વાદ લઇને શરૂઆત થઇ રહી છે. મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ એના માટે મારે કામ કરવું છે. આ ચૂંટણી ન ભૂપેન્દ્ર લડે છે, ન નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો ગુજરાતના વ્હાલા ભાઈ-બહેનો લડે છે.
પીએમ મોદીએ કહ્યું કે ખભેથી ખભો મિલાવી અને સાથે રહીને સંપૂર્ણ ગુજરાત અને સમાજનો વિકાસ કરવાનો અવસર આવ્યો છે. દરેક ગુજરાતી આત્મવિશ્વાસથી ભરેલો છે, એટલા જ માટે પ્રત્યેક ગુજરાતી બોલે છે, અંતરાત્માનો અવાજ બોલે છે, પ્રત્યેક ગુજરાતના હૈયામાંથી નાદ નીકળે છે, આ ગુજરાત મેં બનાવ્યું છે. પ્રત્યેક ગુજરાતીએ ખૂબ મહેનત કરી, લોહી-પરસેવો એક કરીને ગુજરાત બનાવ્યું છે.
આ પણ વાંચો – ‘ગુજરાતમાં ભાજપ પોતાનો જ જીતનો રેકોર્ડ તોડશે’, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતના લોકો એક તાકાત સાથે ઊભા થયા તેના માટે અમે કામ કરીએ છીએ. ગુજરાતની વિરુદ્ધમાં કામ કરનારી ટોળકીને ગુજરાતની જનતા પારખી ગઇ છે. એટલે જ બે-બે દાયકાથી ગુજરાતની જનતા તેમની વાતમાં આવી નથી. આગામી ચૂંટણીમાં પણ એવું જ થશે.
પીએમ મોદીએ કહ્યું કે એક સમયે હેંડપંપ બનાવે તોય ઢોલ વગાડતા હતા અને અમે ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. એક સમયે સાંજે જમવાના ટાઈમે પણ વીજળી આવતી ન હતી તેના બદલે આજે ગુજરાતમાં 24 કલાક વીજળી આવે છે. હું દિલ્હી ચીકુ લઈને જાવ તો ત્યા બધા કહે કે આવડા મોટા ચીકુ ત્યારે હું કહ્યુ કે આ તો અમારા વલસાડના છે.