Gujarat Assembly Election: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં રોડ શો કર્યો હતો. પીએમ મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. રોડ શો પછી પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરી હતી. સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતની નવી પેઢીએ અમદાવાદ અને સુરતના સીરિયલ બોમ્બ બ્લાસ્ટ જોયા નથી. હું તેમને તે લોકોથી સાવધાન કરવા માંગું છું જે આતંકવાદીઓના શુભચિંતક છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર આતંકવાદી કૃત્ય હતું પણ કોંગ્રેસ નેતાઓએ તેના પર સવાલ ઉઠાવ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે સુરતને બદનામ કરાતું હતું પણ સુરતે આજે પુરૂષાર્થ,સામર્થ્યથી નવી ઊંચાઈ હાંસલ કરી છે.આખું હિન્દુસ્તાન સુરત પર આજે ગર્વ કરે છે.દુનિયાના આગળ વધતા 10 શહેરોમાંથી સુરત એક છે.સુરત હવે અલગ અલગ નામથી ડાયમંડ,આઈટી, કાપડ વગેરેથી ઓળખાય છે.
પીએમ મોદીએ રોડ શો કર્યો
પીએમ એરપોર્ટથી અબ્રામા ગોપીન ગામ ખાતેની સભા સ્થળ સુધીનો 30 કિલોમીટર લાંબો રૂટ પર બાય રોડ ગયા હતા. આ સમયે લોકોએ મોદી-મોદીના નારાઓ લગાવ્યા હતા.આ દરમિયાન પીએમ મોદીએ પોતાની ગાડીમાંથી બહાર આવીને હાથ હલાવી લોકોનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીનું અલગ-અલગ પોઇન્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીનો સુરતમાં રોડ શો એટલા માટે વધારે મહત્વનો બની જાય છે કે અમદાવાદ પછી સુરતમાં સૌથી વધારે સીટો છે. સુરત છેલ્લા ત્રણ દાયકાથી બીજેપીનો મજબૂત ગઢ રહ્યું છે. જોકે છેલ્લા કેટલા દિવસોથી સુરતમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે તેનાથી બીજેપી ત્યાં વધારે મહેનત કરી રહી છે. ફેબ્રુઆરી 2021માં આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટો જીતીને બધાને ચોંકાવી દીધા હતા.
ખેડામાં પીએમ મોદીએ શું કહ્યું
ખેડામાં પીએમ મોદીએ કહ્યું હતું કે ગુજરાત લાંબા સમયથી આતંકવાદના નિશાને રહ્યું છે. સુરત અને અમદાવાદમાં થયેલા વિસ્ફોટોમાં ગુજરાતના લોકોના જીવ ગયા છે. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસ સત્તામાં હતી. અમે તેમને આતંકવાદને નિશાન બનાવવા કહ્યું પણ તેમણે તેના બદલે મને નિશાન બનાવ્યો હતો. તે ગાળામાં આંતકવાદ દેશમાં ચરમ પર હતો.
ખેડામાં પીએમ મોદીએ કહ્યું હતું કે તમારા આશીર્વાદથી હું મોટો થયો છું, આ માટીએ મને મોટો કર્યો છે, તમે જ મારા શિક્ષક છો, તમે જ મારા સંસ્કારદાતા છો. આ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય ગરીબની ચિંતા ન કરી, યુવાઓની ચિંતા ન કરી, અમે તેમના માટે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. યુવકોને આગળ વધારવા, તેમને સારી શિક્ષા આપવા માટે સારી શાળા જોઈએ, સારા રોજગારના અવસર જોઈએ. તેના માટે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તમ પ્રકારની શાળાઓ, ઉત્તમ પ્રકારના શિક્ષણ સંકુલો, આઈઆઈટી હોય, આઈએમઆઈ હોય, એઈમ્સ હોય તેની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.





