Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આખરે રાહુલ ગાંધી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. મહુવામાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભાને સંબોધિત કરી હતી જેમાં ભાજપા પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપાના લોકો તમને આદિવાસી નથી કહેતા તેઓ તમને વનવાસી કહે છે.મતલબ એ તમને જંગલમાં રહેવા વાળા છો એમ કહે છે. એ નથી ઈચ્છતા કે તમે પ્રગતિ કરો. તમે માત્ર જંગલમાં રહે તેવો વિચાર ભાજપ વિચારે છે.તમારા હકો ભાજપ છીનવવા માંગે છે. તમે વનવાસી નથી તમે આદિવાસી છો. આ દેશ તમારો છે.
આદિવાસી સાથે મારા પરિવારનો જૂનો સંબંધ છે – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આદિવાસીઓની સાથે મારો અને અમારા પરિવારનો જૂનો સબંધ છે.હું નાનો હતો ત્યારે મારા દાદી ઈન્દીરાએ એક ચોપડી આપી હતી. જે મને સૌથી વધુ પ્રિય હતી. હું દાદી સાથે આ પુસ્તક વાંચતો. દાદી મને સમજાવતી હતી.એક દિવસ મેં કહ્યું દાદી આ પુસ્તક બહુ ગમે છે.તેમણે કહ્યું આ પુસ્તક આપણા આદિવાસી વિષે છે. આ હિન્દુસ્તાનના પહેલા અને અસલી માલિક છે. હિન્દુસ્તાનને સમજવું હોય તો આદિવાસીઓના જીવન, જળ,જંગલ અને જમીનને સમજો.
આ પણ વાંચો – પીએમ મોદી ગુજરાતના સુરેન્દ્રનગરમાં : ‘તમારું સુરેન્દ્ર, હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ આપણો ત્રિવેણી સંગમ’
ભારત જોડો યાત્રામાં દરેક જાતિ અને ધર્મના લોકો ઉત્સાહ અને ઉમંગથી જોડાય છે
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા વિશે કહ્યું હતું કે આ યાત્રામાં દરેક જાતિ અને ધર્મના લોકો ઉત્સાહ અને ઉમંગથી જોડાય છે અને અમે સૌ આ દેશમાંથી નફરતને ખતમ કરવા આ યાત્રા કરી રહ્યા છીએ.યાત્રામાં જાણ્યું કે ખેડૂતોને વીમો,પોષણક્ષમ ભાવ મળતા નથી. દેવું માફ નથી થતું. યુવાનો બેરોજગાર છે.ભણેલો યુવાન આજે મજૂરી કરે છે.
રાહુલે કહ્યું કે ખેડૂત, દલિત, આદિવાસી સહિત તમામ વર્ગના લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. આ પ્રેમ અને લાગણીની યાત્રા છે.હિંદુસ્તાનને જોડવાનું કામ ગાંધીજીએ કર્યું હતું.