Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતદાન તારીખ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરત જિલ્લાના મહુવામાં ચૂંટણી સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીના ભાષણ સમયે તેમની સ્પીચને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા જોવા મળ્યા હતા.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે હિન્દીમાં ભાષણ કરી રહ્યા છે અને તેમની સ્પીચને ભરતસિંહ સોલંકી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી રહ્યા હતા. જોકે થોડાક સમય પછી ભરતસિંહ ટ્રાન્સલેટ અટકાવી નાખે છે અને રાહુલ ગાંધીને ટ્રાન્સલેટ વગર હિન્દીમાં જ બોલવા કહે છે. તે કહે છે કે તમે હિન્દીમાં બોલો લોકોને ટ્રાન્સલેટની જરૂરિયાત નથી.
રાહુલ ગાંધી પોતાનું ભાષણ રોકીને મંચથી લોકોને પૂછે છે કે શું હિન્દીમાં બોલવું ઠીક રહેશે, હિન્દી ચાલશે ને ? જેના પર ભીડ હા માં જવાબ આપે છે. આ પછી રાહુલ ગાંધી ભાષણ આપે છે. ટ્રાન્સલેટરની મદદથી પોતાની વાત રાખવા દરમિયાન રાહુલ ગાંધીનો સમય પણ વધારે જતો હતો.
આ પણ વાંચો – પીએમ મોદી ગુજરાતના સુરેન્દ્રનગરમાં : ‘તમારું સુરેન્દ્ર, હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ આપણો ત્રિવેણી સંગમ’
રાહુલ ગાંધીએ કહ્યું- ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે
મહુવામાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભાને સંબોધિત કરી હતી જેમાં ભાજપા પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપાના લોકો તમને આદિવાસી નથી કહેતા તેઓ તમને વનવાસી કહે છે.મતલબ એ તમને જંગલમાં રહેવા વાળા છો એમ કહે છે. એ નથી ઈચ્છતા કે તમે પ્રગતિ કરો. તમે માત્ર જંગલમાં રહે તેવો વિચાર ભાજપ વિચારે છે.તમારા હકો ભાજપ છીનવવા માંગે છે. તમે વનવાસી નથી તમે આદિવાસી છો. આ દેશ તમારો છે.