પીએમ મોદીએ બાવળામાં કહ્યું- ખેડૂતનો દીકરો ચાર બંગડીવાળી ગાડી ખરીદીને ઘરે આવે એ ફેરફાર આ પટ્ટામાં આવ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું મહાત્મા ગાંધી એવું કહેતા હતા કે ભારતનો આત્મા ગામડાંમાં વસે છે પણ આ કોંગ્રેસવાળા ગાંધીજીને તો બધી જ રીતે ભૂલી ગયા, એમણે તો આ આત્માને જ કચડી નાંખ્યો છે

Written by Ashish Goyal
November 24, 2022 19:34 IST
પીએમ મોદીએ બાવળામાં કહ્યું- ખેડૂતનો દીકરો ચાર બંગડીવાળી ગાડી ખરીદીને ઘરે આવે એ ફેરફાર આ પટ્ટામાં આવ્યો
બાવળામાં જનસભા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ગુજરાત ટ્વિટર)

Gujarat Polls 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ફુલ સ્પીડમાં ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ચાર જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળા ખાતે સભા સંબોધી હતી. બાવળામાં પીએમ મોદીએ કહ્યું હતું કે સાણંદ વિસ્તારમાં ખેડૂતો ઘરમાં રૂપિયા ગણવાના મશીન લઈ આવ્યા હતા. રિક્ષામાં કોથળામાં રુપિયાનો ઢગલો લઈ જાય અને ખેડૂતનો દીકરો ચાર બંગડીવાળી ગાડી ખરીદીને ઘરે આવે એ બદલાવ આ પટ્ટામાં આવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે આ જિલ્લો ખૂબ જ તેજીથી શહેરી કરણ તરફ વળી રહ્યો છે. ચારે તરફ વિક્સી રહ્યો છે.20 વર્ષ પહેલા 24 કલાક વીજળીનું સ્વપ્ન જોઈ શકાતું ન હતું. 20 વર્ષ પહેલા ધોળકા કે ધંધુકામાં ઔદ્યોગિક વિકાસ થઇ શકે તેની કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું. ધોલેરોનાનું તો નામ કોઈ ના લે.અહીં સેંકડો ગામ એવા છે જ્યાં નર્મદાનું પાણી આવે છે અને તળાવો ભરવામાં આવે છે. આપણો આ પટ્ટો તો ચોખા, ધાનનો છે. નર્મદાનું પાણી આવવાથી ધાનની ખેતી દોઢ ગણી વધી ગઈ છે. આ પૈસા ખેડૂતોના ખિસ્સામાં ગયા છે. ગુજરાતમાં રાઇસ મિલ 400 છે જેમાં 100 તો બાવળામાં છે.

આ પણ વાંચો – પીએમ મોદી ગુજરાત : ‘અમારો ધ્યેય – ગરીબના ઘરનો ચૂલો ન ઓલવાવો જોઈએ, અને બાળક ભુખ્યું ન સૂવું જોઈએ’

સાણંદ વિસ્તારના ખેડૂતો ઘરમાં નોટો ગણવાનું મશીન લઇ આવ્યા હતા – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે મને યાદ છે કે સાણંદમાં અમે બધા શરૂઆતમાં ઉદ્યોગ જગતના વિકાસની ચર્ચા કરતા હતા તો કેટલાય લોકો આંદોલન કરતા હતા કે જમીનો જતી રહેશે, આમ થશે ને તેમ થશે, મેં જોયું કે સાણંદ વિસ્તારના ખેડૂતો ઘરમાં નોટો ગણવાનું મશીન લઇ આવ્યા હતા. કોથળામાં ભરીને રિક્ષામાં બેસીને રૂપિયા લઇને જાય. આપણે પૂછીએ કાકા શું વિચાર્યું છે. તો કહે કે મારે હવે ચાર બંગડીવાળી ગાડી લેવા જવું છે. રિક્ષામાં કોથળામાં રુપિયાનો ઢગલો લઈ જાય અને ખેડૂતનો દીકરો ચાર બંગડીવાળી ગાડી ખરીદીને ઘરે આવે એ બદલાવ આ આખા પટ્ટામાં આવ્યો છે.

પીએમે કહ્યું કે મહાત્મા ગાંધી એવું કહેતા હતા કે ભારતનો આત્મા ગામડાંમાં વસે છે પણ આ કોંગ્રેસવાળા ગાંધીજીને તો બધી જ રીતે ભૂલી ગયા, એમણે તો આ આત્માને જ કચડી નાંખ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ